માઉન્ટ આબુ માઈનસ ૪ ડીગ્રીએ થીજી ગયુ
ઠેર ઠેર જામ્યો બરફ, માઇનસ તાપમાનથી સહેલાણીઓ ખુશ
ગુજરાતીઓના માનીતા હિલ સ્ટેશન માઉન્ટ આબુ જનારા લોકોને કાશ્મીર કે પછી શીમલાનો અનુભવ થઇ રહ્યો છે. અહી કાતિલ ઠંડી પડી રહી છે. ઘણી જગ્યાએ વરસાદ અને કરા પડ્યા બાદ માઉન્ટ આબુ અને સિરોહી જિલ્લામાં તાપમાનનો પારો ગગડ્યો છે. માઉન્ટ આબુમાં બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 10 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રવિવારે માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન માઈનસ 4 ડિગ્રી નોંધાયું હતું. આબુમાં ઠેર ઠેર બરફ જામી ગયો છે.
આટલી ઠંડીમાં આબુ થીજી ગયુ હોય તેવું લાગી રહ્યું છે. ઘણી જગ્યાએ માઈનસ 5 ડિગ્રી નોંધાયું છે. જેના કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર શિમલા-મસૂરી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. માઉન્ટ આબુનું મહત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે.
સિરોહી અને માઉન્ટ આબુમાં શીત લહેર ચાલી રહી છે. કડકડતી ઠંડીના કારણે લોકોની દિનચર્યાને ખાસ્સી અસર થઈ છે. લોકો બોનફાયરની મદદ લઈ રહ્યા છે. ગરમ કપડામાં જોવા મળી રહ્યા છે. ક્રિસમસ અને 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો માઉન્ટ આબુ પહોંચી ગયા છે. તેવામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ પડતાં ઠંડી સાથે વરસાદની પ્રવાસીઓ મજા માણી રહ્યા છે.