હર હર મહાદેવ….વાંકાનેર નજીક રતન ટેકરી ઉપર આવેલુ ૬૫૦ વર્ષ કરતા પણ જુનુ સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું મંદિર
અહી પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી છે અને ભલભલા હીલ સ્ટેશનને ભૂલી જવાય તેવું કુદરતી સૌંદર્ય જોવા મળે છે
વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર ૬૫૦ વર્ષ કરતા પણ વધુ જુનું સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. તે મંદિરમાં જડેશ્વર દાદા સ્વયંભુ પ્રગટ થયા છે. જેથી તેનું જ્યોતિર્લિંગથી પણ વિશેષ મહત્વ છે. વાંકાનેર થી વડસર ના તળાવ થી આગળ આવેલા ડુંગરાઓની ટોચ ઉપર સૌરાષ્ટ્રનું સુપ્રસિધ્ધ યાત્રાધામ જડેશ્વર મહાદેવ મંદિર આવેલ છે જેનુ શિવલિંગ ઉત્તરાંચલમાં આવેલ કેદારનાથ મહાદેવ ના આકારનુ છે અને મંદિરની કલાકૃતિ અને આકાર પાંડવોના રથની ઝાંખી કરાવે છે.
જડેશ્વર મહાદેવ ના મંદિર ની આજુબાજુમાં જંગલ વિસ્તાર આવેલ હોય ચોમાસાના વાતાવરણમાં ડુંગરા ઉપર ઘાસ ઉગવાને કારણે લીલાછમ ડુંગરાઓમાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે જાણે કોઈ હિલ સ્ટેશન હોય.

વાંકાનેર થી જડેશ્વર પહોંચતા પહેલાં વાંકાનેર રાજવીએ બનાવેલું વડસર તળાવ આવે છે આ તળાવ ડુંગરોની વચ્ચે આવેલ છે તેમજ તળાવની ફરતે વાંકાચૂકા રસ્તા પર ચાલવાનો આનંદ અનેરો છે.આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે અને આ આખો મહિનો ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.
આ મંદિરનો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે. ભગવાન ભોળાનાથ સાક્ષાત બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભારતના પ્રત્યેક વિભાગમાં આજે હજારો વર્ષથી બિરાજે છે એ શાસ્ત્રસિધ્ધ સ્વીકારાયેલ હકીકત છે. આ બાર જ્યોતિર્લિંગની પહેલી સર્વશ્રેષ્ઠ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રના સાગર કિનારે પ્રભાસ ક્ષેત્રમાં શ્રી સોમનાથ મહાદેવ છે. કાળક્રમે ધર્મઝનુની વિદેશી અને વિધર્મીઓ દ્વારા એક પછી એક એમ સાત વખત આ સોમનાથ મંદિર પર હુમલો કરી મંદિરને નુક્સાન પહોંચાડેલ છતાં સોમનાથ મંદિર હિંદુ રાજા અને પ્રજાએ ફરી બંધાવ્યા કર્યું. તેને પણ છેલ્લા મહંમદ ગઝનવીએ હીરા, મોતી, સોનું મેળવવાની અને હિન્દુ દેવસ્થાનો ને તોડવાની ઘેલછાએ સોમનાથ મંદિર પર લુંટ ચલાવી અને ભગવાનની લીંગ મૂર્તિ પણ તોડી નષ્ટ કરી હતી.

હિન્દુ ધર્મ શાસ્ત્રો કહે છે કે ધર્મ ઝનુનીના હુમલાથી, અગ્નિથી, તસ્કર વડે કે વિધતાઘાતથી ખંડિત થયેલ મૂર્તિ અને ભગ્ન થયેલ દેવાલયમાં દૈવત્ય રહેતું નથી આ કારણે સોમનાથના જ્યોતિર્લિંગમાંથી મહાદેવની મૂળ જયોત કૈલાશ ધામમાં ચાલી ગયેલ અને સૌરાષ્ટ્ર જ્યોતિર્લિંગ વિહોણું બન્યું અને તેના 500 વર્ષ પછી આ જડેશ્વર નું સ્વયંભૂ લિંગ પ્રગટ થયું અને કહેવાય છે કે સૌરાષ્ટ્ર જ્યોતિર્લિંગ વિહોણું ન રહી જાય માટે મહાદેવે સાક્ષાત આ જ્યોતિર્લિંગ પ્રગટ કરેલા છે.

ભાવિકોને વિનામૂલ્યે ભોજન-આવાસ : મહંત રતિલાલજી

જડેશ્વર મંદિરના મહંત રતિલાલજી ગુરુ રવિપ્રકાશજીએ વોઈસ ઓફ ડે સાથેની વાતચીતમાં કહ્યું કે, અહી શ્રાવણ માસમાં રોજેરોજ ભાવિકોનો મેળો જામે છે અને સેંકડો લોકો શ્રદ્ધાપૂર્વક મહાદેવના દર્શને આવે છે. આ મંદિરના સંકુલમાં ગાયત્રી માતાજી અન્નપુર્ણા માતાજી , નાગદેવતા, બહુચરાજી, સત્યનારાયણ સહિતના દેવ-દેવીઓના મંદિર આવેલા છે. અહી શ્રાવણ માસમાં આવનારા ભાવિકોને વિનામૂલ્યે ભોજન કરાવાય છે અને તેમના રાતવાસાની સુવિધા પણ છે.
