ઈન્કમટેક્સમાં “મુહૂર્ત” પહેલાં 300થી વધુ અધિકારીઓની બદલી: કરચોરોને ત્યાં “ઢોલ” વ્હેલાસર વાગશે
જૂન-જુલાઈમાં આવતી ટ્રાન્સફર આ વર્ષે એક મહિનો અગાઉ:રાજકોટનાં 18 સહિત 140 ITO મળી અલગ અલગ વિભાગમાં બદલીના સાગમટે ઓર્ડરો નીકળ્યાં:તાકીદે ચાર્જ લેવા સૂચના
આ વર્ષે આવકવેરા વિભાગમાં બદલીનો દોર એક મહિના અગાઉ શરૂ થઈ ગયો છે. થોડા સમય પૂર્વે ચીફ કમિશનર અને પ્રિન્સિપલ ચીફ કમિશનરના ઓર્ડરો થયા હતા ત્યારે ગઈકાલે ગુજરાત આવકવેરા વિભાગમાં બદલીઓનો ધાણવો નીકળ્યો છે જેમાં રાજકોટ ઇન્કમટેક્સ વિભાગના 18 અધિકારીઓ સહિત રાજ્યભરમાંથી 140 થી પણ વધુ અધિકારીઓની બદલીઓ થઈ છે.
દર વર્ષે મે અને જૂન મહિનામાં ટ્રાન્સફર ઓર્ડરો આવતા હોય છે,જેના લીધે બે મહિના સુધી દરોડાની કામગીરીને બ્રેક લાગી જતો હોય છે. આ વખતે એપ્રિલ મહિનાના અંતમાં જ ગુજરાત સહિત દેશભરમાં ઇન્કમટેક્સ વિભાગમાં ઇન્સ્પેક્ટરથી લઈ અધિકારીઓ અને કમિશનરના ટ્રાન્સફર ઓર્ડરો શરૂ થઈ જતા આ વર્ષથી દરોડાની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ થશે તેવું અધિકારીઓમાં ગણગણાટ ચાલી રહ્યો છે.
ગઈકાલે થયેલા પરિપત્રમાં ગેઝેટેડ અધિકારીઓની બદલી થઈ છે જેમાં રાજકોટમાંથી સ્વરૂપ ભટ્ટ કે જેવો હેડ ક્વાર્ટર રાજકોટમાં ફરજ બજાવતા હતા તેમને આણંદમાં પોસ્ટિંગ અપાયું છે, રાજકોટમાં ફરજ બજાવી રહેલાં મુકેશકુમાર સિન્હા જે આઈ ટી ઓ ઓડિટમાં ફરજ બજાવતા હતા તેમને ભરૂચ મૂકવામાં આવ્યા છે જ્યારે રાજકોટ સેક્ટર અંતર્ગત આવતા ગાંધીધામમાં આશુતોષ ભૂષણસિંગને ભરૂચ, જૂનાગઢમાં ફરજ બજાવતા સુરેશ ચાંદને અમદાવાદ, વિરેન મહેતાને રાજકોટ, કૌશિક ચૌહાણ મોરબી, આરતી પંડ્યા જામનગર સંતોષ દવે જામનગર, નિલેશ મકવાણા જામનગર, સંઘાણીને મોરબીમાંથી રાજકોટ, મનીષ કેશવાણીને રાજકોટ, પ્રિતેશકુમાર દવેને મોરબીમાંથી રાજકોટ, સલીમ કાબાણી રાજકોટ, મનીષ વર્માને અમદાવાદ, વીનેશ રાયઠઠા અમદાવાદ, રાજેશ કુમાર મીના અમદાવાદ, વિક્રમસિંહ મીના વડોદરા આ ઉપરાંત અલગ અલગ વિભાગમાં ઓર્ડરો નીકળતા ગુજરાતભરમાંથી 300 થી વધુ અધિકારીઓની બદલીના ઓર્ડરો થયા છે.