આજથી મોરચો સંભાળશે મોદી : કાલે સૌરાષ્ટ્રમાં ત્રણ જાહેરસભા
રાજા-રજવાડા, શહેજાદા, ગેરેન્ટી, ઈકોનોમી, કોંગ્રેસ અને રામ મંદિર સહિતના મુદ્દા ગુંજશે
આજે ડીસા અને હિંમતનગર તથા કાલે આણંદ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને જામનગરમાં સભાને સંબોધન
આઈ.પી.એસ. અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપાઈ
ક્ષત્રિય આંદોલનની કોઈ અસર ન દેખાય તે જોવા ખાસ નિર્દેશ
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૫ બેઠકો ઉપર મતદાન થવાનું છે અને અત્યારે તેનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે.ગુજરાતમાં ક્ષત્રિયોનું આંદોલન અને રાજા-રજવાડા અંગેના નિવેદનો હાલમાં ચર્ચામાં છે ત્યારે બુધવારથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારનો મોરચો સંભાળવાના છે. નરેન્દ્ર મોદી બુધવાર અને ગુરુવાર એમ બે દિવસમાં કુલ છ જાહેરસભાને સંબોધવાના છે અને તેમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતા મોટાભાગની બેઠકોને
આવરી લેશે. બુધવારે વડાપ્રધાન ડીસા અને હિંમતનગરમાં જાહેરસભાને સંબોધશે જયારે ગુરુવારે સવારે આણંદ અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જુનાગઢ અને છેલ્લે જામનગરમાં જાહેરસભા સંબોધશે.
ગુજરાતમાં અત્યાર સુધીના પ્રચારમાં અનેક મુદ્દાઓ ગાજ્યા છે પણ તેમાં કેન્દ્રસ્થાને રાજકોટની બેઠક , પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન અને ત્યાર પછીનો ઘટનાક્રમ રહ્યો છે. જુદી જુદી સભામાં અને પ્રચારમાં રાજા-રજવાડા, શહેજાદા, ગેરેન્ટી, ઈકોનોમી, કોંગ્રેસ અને રામ મંદિર સહિતના મુદ્દા ઉપસ્થિત થયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંબોધનમાં આ મુદ્દાઓ ઉખેળશે તેવું માનવામાં આવે છે.
ગુજરાતમાં મોદીના ચહેરા ઉપર જ ભાજપ ચૂંટણી લડી રહ્યો છે તે બધા જાણે છે ત્યારે વડાપ્રધાનની આ જાહેરસભાઓથી ભાજપમાં નવું જોમ ઉમેરાશે અને તેનો સીધો લાભ પક્ષના ઉમેદવારોને મળશે તે નક્કી છે.
વડાપ્રધાનનો પ્રવાસ દક્ષિણ ગુજરાતની બેઠકો સિવાય કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે. જેમાં દરેક સભામાં આસપાસની ત્રણ-ચાર બેઠકોને આવરી લેવાશે. બે દિવસ દરમિયાન પીએમ મોદી 14 લોકસભા અને 70 વિધાનસભા બેઠકને આવરી લેશે.
વડાપ્રધાન મોદી 1 મે, બુધવારના રોજ બે સ્થળ પર સભાને સંબોધન કરશે. જેમાં ડીસા અને હિંમતનગરમાં સભા યોજાશે. ગુજરાત પ્રવાસના બીજા દિવસ એટલે 2 મે, ગુરુવારે સવારે 11 કલાકે આણંદ પાસે આવેલ શિક્ષણનગરી વિદ્યાનગરમાં આવેલ શાસ્ત્રી મેદાનમાં સભા યોજીને આણંદ અને ખેડા લોકસભા મત વિસ્તારના મતદારો અને નાગરિકોને સંબોધન કરશે.
આ પછી સુરેન્દ્રનગર, જુનાગઢ અને છેલ્લે જામનગરમાં સભા સંબોધશે. આ તમામ સ્થળોએ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સુરેન્દ્રનગરમાં આઈ.પી.એસ. અધિકારી અભયસિંહ ચુડાસમા, જૂનાગઢમાં સુભાષ ત્રિવેદી અને જામનગરમાં રાજકુમાર પાંડિયનને વિશેષ જવાબદારી સોંપી છે.
એક પણ સભા સ્થળે ક્ષત્રિયો વિરોધ ન કરે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને એ મુજબનો બંદોબસ્ત ગોઠવાયો છે.
જામનગરમાં હર્ષ સંઘવીએ કરી તૈયારીની સમિક્ષા
જામનગરમાં 2 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજાવાની છે તે સંદર્ભે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જામનગરની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી. કેબિનેટ પ્રધાન મુળુ બેરા, રાઘવજી પટેલ, પરીમલ નાથવાણી સાથે તેમણે બેઠક કરી હતી. ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા પણ બેઠકમાં સામેલ થયા હતા.
હર્ષ સંઘવીએ સ્થાનિક ક્ષત્રિય સમાજના લોકો સાથે પણ બેઠક કરી હતી. પૂનમ માડમના નિવાસસ્થાને બેઠકમાં તૈયારી અને ક્ષત્રિયોના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.