આજે મહારાષ્ટ્રના સીએમ નક્કી થશે, આવતીકાલે શપથ
મહારાષ્ટ્રમાં મહાડ્રામાનો અંત આવ્યા બાદ અને સરકારની રચના આડેના અવરોધો દૂર થયા બાદ હવે સસ્પેન્સ પરથી પડદો હટવાનો છે અને આજે મુખ્યમંત્રીનું નામ ફાઇનલ થઈ જવાનું છે. 5 મીએ નવી સરકારનો ભવ્ય શપથવિધિ સમારોહ યોજાવાનો છે. આ માટે મંગળવારે પણ બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો અને કવાયત ગતિશીલ રહી હતી. અમિત શાહ સતત સંપર્ક જાળવી રહ્યા હતા.
એકનાથ શિંદે ફરીવાર મંગળવારે હોસ્પિટલ ગયા હતા અને ત્યારબાદ મુંબઈ પાછા ફર્યા હતા. આજે મુંબઇમાં વિધાનભવનમાં સવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળી છે અને તેમાં નિરીક્ષકો નિર્મલા સિતારમણ અને વિજય રૂપાણી પહોંચી ગયા છે. મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડનવીસનું જ નામ બહાર આવશે તેમ માનવામાં આવે છે .
જો કે મહત્વા ખાતાઓને લઈને શિવ સેના શિંદે જુથની માંગણી અડગ રહી છે. આ દરમિયાન સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ભાજપ ગૃહ અને મહેસૂલ ખાતું પોતાની પાસે જ રાખશે અને તેના 22 મંત્રી રહી શકે છે. એ જ રીતે શિંદે જુથના 12 સભ્યોને મંત્રીપદ મળવાની સંભાવના છે અને અજીત પવાર જુથને 10 મંત્રીપદ મળી શકે છે.
એવી ચર્ચા પણ રહી હતી કે મહત્વનું નાણા ખાતું અજીતને ફાળે જઈ શકે છે. શિંદે જુથને શહેરી વિકાસ સહિતના ખાતા મળી શકે છે. મંગળવારે જાહેર થયું હતું તેમ 5 મીએ સીએમ અને 2 નાયબ સીએમ જ શપથ લેશે.. શપથ બાદ 16 મીએ નાગપુરમાં 3 દિવસીય સત્ર મળવાનું છે તેવી ગોઠવણ થઈ છે.
શપથ સમારોહમાં 40 હજાર લોકો હાજર રહેશે
દરમિયાનમાં મુંબાઈના આઝાદ મેદાનમાં 5 મીએ યોજાનારા ભવ્ય શપથ સમારોહ માટેણી તૈયારી ઝડપી બની હતી. તેના માટે 3 ટેન્ટ બનાવાયા છે. સમારોહમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહી શકે છે. અમિત શાહ સહિતના ટોચના નેતાઓ ખાસ હાજર રહેશે.