ક્રાઉડ મેનેજમેન્ટ માટે કાયદો
દેશભરમાં ધાર્મિક આયોજનો-મેળાવડા માટે કાયદો બનાવવાની ઉઠી માંગ
રાજસ્થાનમાં કાયદો બન્યો હતો પણ તેનો અમલ થઇ શક્યો નથી
સક્ષમ ઓથોરિટી રચાય તો આયોજકોની જવાબદારી નક્કી થઇ શકે
ઉત્તરપ્રદેશનાં હાથરસમાં તાજેતરમાં બનેલી ભાગદોડની ઘટનામાં ૧૨૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને આ પૂર્વે પણ અનેક વખત આ પ્રકારની ઘટનાઓ દેશમાં બની છે પરંતુ આ પ્રકારના આયોજનો માટે કોઈ પ્રકારનો કાયદો કે નિયમન સંસ્થા નથી ત્યારે હવે દેશભરમાંથી ક્રાઉડ મેનેજમેન્ટ માટે કાયદો બનાવવાની માંગ ઉઠી છે અને સરકાર પણ આ દિશામાં ગંભીરતાપૂર્વક વિચારી રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, માત્ર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જ નહીં, દેશના મોટાભાગનાં રાજ્યોમાં એવી કોઈ શક્તિશાળી સંસ્થા કે સત્તા નથી કે જે મેળાઓ અને ભીડભાડવાળા સ્થળોના સંચાલન અને નિયમન માટે કામ કરી શકે. જેના કારણે આયોજકોની કાનૂની જવાબદારી નક્કી કરી શકાતી નથી.
હાથરસની ઘટનામાં પણ આયોજકો સામે કેસ નોંધવામાં આવ્યો છે પરંતુ જેમના કારણે આટલી ભીડ ભેગી થઇ હતી તેની સામે કોઈ કાર્યવાહી થઇ નથી. કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. પરંતુ હવે ભવિષ્યમાં આવી ઘટના બને તો તેના માટે ખાસ કાયદો અથવા સક્ષમ ઓથોરિટી હોઈ શકે છે. સરકારને આ અંગે અનેક સ્તરેથી સૂચનો પણ મળ્યા છે.
દર વર્ષે દેશભરમાં ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ બને છે. પરંતુ હજુ સુધી ભીડના સંચાલન માટે ન તો કોઈ કડક કાયદો છે કે ન તો કોઈ નિયમનકારી સંસ્થા. રાજસ્થાનમાં નિષ્પક્ષ સત્તાની રચના ચોક્કસપણે થઈ હતી, પરંતુ આ માટેનો કાયદો લાગુ થઈ શક્યો નથી. આવા પ્રયાસો અન્ય રાજ્યોમાં પણ થયા નથી. હવે ક્રાઉડ મેનેજમેન્ટ માટે કાયદો બનાવવાની માંગ ઉઠી છે.
રાજસ્થાનમાં મેહરાનગઢ દુર્ઘટના બાદ અસરકારક કાયદો બનાવવા પર સવાલ ઉઠ્યા હતા. રાજસ્થાનમાં અગાઉની સરકારે પણ મહેરાનગઢ દુર્ઘટનાને ટાંકીને રાજસ્થાન સ્ટેટ ફેર ઓથોરિટી બિલ 2023 પસાર કર્યું હતું પરંતુ તેનો અમલ થઈ શક્યો નહોતો. આ અધિનિયમ હેઠળ, મેળાઓના સલામત સંગઠન, સંચાલન અને નિયમન માટે રચાયેલ મેળા સત્તાવાળાઓ અને જિલ્લા સ્તરીય સમિતિઓને સશક્ત બનાવવાની હતી. કાયદામાં આયોજકો માટે એક મહિના અગાઉ પરવાનગી માટે અરજી કરવાની અને નિયમોનું ઉલ્લંઘન કરવા માટે જવાબદારોને સજા કરવાની જોગવાઈ પણ હતી. જો આનો અમલ કરવામાં આવે તો પ્રવેશ, બહાર નીકળવા, પાર્કિંગ, ફાયર સેફ્ટી અને લાઈફ સેફ્ટીની યોગ્ય વ્યવસ્થા કર્યા પછી જ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. અગાઉની સરકારે ખરડો પસાર કર્યો હતો પરંતુ વિરોધના કારણે તેને લાગુ કરવાથી પાછળ હટી ગઈ હતી. નવી સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.
સૌરાષ્ટ્રમાં આટલી જગ્યાએ વધુ ભીડ એકઠી થાય છે ?
-શિવરાત્રી મેળો-જુનાગઢ
-લોકમેળો- રાજકોટ
-ભૂચર મોરીનો મેળો-ધ્રોલ
-રણુજાનો મેળો-
તરણેતરનો મેળો-થાનગઢ
-કાર્તિકી પૂર્ણિમાનો મેળો-સોમનાથ
-લીલી પરિક્રમા- જુનાગઢ
*ગીરનારની તળેટીમાં યોજાતા શિવરાત્રીના મેળામાં ભૂતકાળમાં ભાગદોડની ઘટના બની ચુકી છે અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.
*આ સિવાય અંબાજી અને પાવાગઢ જેવા સ્થળોએ પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે.
શું શું વ્યવસ્થા હોવી જોઈએ
સ્થળ સુધી પહોંચવા માટે અલગ-અલગ રૂટ હોવા જોઈએ.
-કાર્યક્રમમાં કેટલા લોકો આવશે તેનો અગાઉથી અંદાજ લગાવવો જોઈએ.
-પીવાના પાણીની વ્યવસ્થા સારી હોવી જોઈએ જેથી કોઈ ઝપાઝપી ન થાય.
-જો ભોજન મોટી માત્રામાં તૈયાર કરવામાં આવે છે, તો તેની તપાસ કરવી જોઈએ.
-લોકોને મદદ માટે પ્રેક્ટિકલ લોકોને સ્થળ પર તૈનાત કરવા જોઈએ.
-અફવાઓને રોકવા માટે કોમ્યુનિકેશન સિસ્ટમ હોવી જોઈએ.