વિપક્ષની અંદર જ વિપક્ષનું ચિત્ર બટેંગે તો ફસેંગેનું જોખમ
ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરવાની મમતા બેનરજીની ઓફર
સપા, શિવસેના ઉધ્ધવનો ટેકો, કોંગ્રેસના શ્વાસ અધ્ધર:
નવું રાજકીય મહાભારત શરૂ થશે? નવા-જૂનીના એંધાણ
હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમી હાર બાદ ઈન્ડિયા ગઠબંધનમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. તેની શરૂઆત તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જીના નિવેદનથી થઈ હતી, જેમાં મમતાએ ગઠબંધનના વડા પદ માટે દાવો કર્યો છે. મમતાના આ દાવાને સમાજવાદી પાર્ટી અને શિવસેના ઉધ્ધવ જેવા પક્ષોનું સમર્થન મળ્યું છે. જ્યારે કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે. હવે વિપક્ષની અંદર વિપક્ષ જેવુ ચિત્ર ઊભરી રહ્યું છે. હવે ઈન્ડિયા ગઠબંધનમાં બટેગે તો ફસેગે જેવુ જોખમ ઊભું થયેલું દેખાય છે.
વર્ષ ૨૦૨૩માં કોંગ્રેસના નેતૃત્વમાં ૨૬ વિપક્ષી દળોએ સાથે મળીને અલાયન્સ ઓફ ઈન્ડિયાની રચના કરી હતી. લોકસભા ચૂંટણીમાં, ઈન્ડિયા એલાયન્સે ૨૩૬ સીટો જીતી હતી અને યુપી, મહારાષ્ટ્ર, બંગાળ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં યુતિએ એનડીએને સખત સ્પર્ધા આપી હતી.
કોંગ્રેસને સાઇડ લાઇન કરવાની તૈયારી?
ઈન્ડિયા ગઠબંધનમાં સતત વિખવાદનું મુખ્ય કારણ મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર છે. બંને રાજ્યોમાં કોંગ્રેસ મુખ્ય લડાઈમાં હતી, પરંતુ ભાજપની આગેવાની હેઠળના એનડીએ દ્વારા તેને ખરાબ રીતે પરાજય મળ્યો હતો. ઈન્ડિયા એલાયન્સની રચના બાદ અત્યાર સુધીમાં ૧૨ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ છે, જેમાંથી ૪ રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર હતી. આ રાજ્યો છે- છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને હરિયાણા. આ સ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસને સાઇડલાઇન કરવાની તૈયારી થઈ રહી હોય તેવું લાગે છે.
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીને ફટકો: સપાએ છેડો ફાડ્યો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયાં તેનો મહિનો પણ નથી થયો અને મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉથલ-પાથલ શરૂ થઈ ચુકી છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીને કારમી હારનું દુખ હજું સમાપ્ત નથી થયું ત્યાં ગઠબંધનને ફરી એક મોટો ઝટકો મળ્યો છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અબૂ આઝમીએ શનિવારે કહ્યું કે, સપા મહાવિકાસ અઘાડી ગઠબંધનથી પોતાનું સમર્થન પાછું લઈ રહી છે. જેનું મુખ્ય કારણ બાબરી મસ્જિદ વિધ્વંસના સંબંધમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની ટિપ્પણીને જણાવવામાં આવ્યું છે. જેનાથી સપા અસંમત છે. આઝમીએ કહ્યું છે કે ઉધ્ધવની પ્રતિના નેતા મિલિન્દ નારવેકરે અખબારમાં જાહેરાત આપીને બાબરી ધ્વંસને ટેકો આપ્યો છે. પોસ્ટ પણ મૂકી છે. આમ ભાજપ અને શિવસેના વચ્ચે કોઈ ફરક રહ્યો નથી.