મુંબઈ એરપોર્ટ પર હજારો બેરોજગારો ઉમટી પડતા ભારે અંધાધુંધી,નાસભાગ
કરોડો લોકોને નોકરી આપી હોવાના સરકારી દાવા વચ્ચે
લોડર્સની 600 ખાલી જગ્યા માટે 25,000થી વધુ નોકરીવાંચ્છુકોએ કતારો લગાવી
એરપોર્ટ લોડર્સ ની જગ્યા માટે હજારો બેરોજગાર યુવાનો ઉમટી પડતા બુધવારે મુંબઈ એરપોર્ટ પર અંધાધુંધી ફેલાઈ ગઈ હતી. નોકરી મળવાની આશામાં હજારો યુવાનોએ ફોર્મ લેવા માટે ઘસારો કરતા ધક્કામુક્કી અને નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. એ દરમિયાન અનેક યુવાનો અશ્વસ્થતા અનુભવવા લાગ્યા હતા
કરોડો લોકોને નોકરી આપ્યાના સરકારી દાવા વચ્ચે દેશમાં કેટલા લોકો બેરોજગાર છે તેનું વધુ એક ઉદાહરણ બુધવારે મુંબઈ એરપોર્ટ ઉપર જોવા મળ્યું હતું. એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડ દ્વારા આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં લોડર્સની 600 ખાલી જગ્યાઓ માટે દેશના ખૂણે ખૂણેથી 25 હજાર કરતાં વધારે બેરોજગાર અરજદારોએ ઘસારો કરતા સ્થિતિ કફોડી બની હતી અને એક સમયે તો ધક્કા મુકકીને કારણે હાથરસ જેવી દુર્ઘટના થવાનો ભય સર્જાયો હતો.
આ બનાવ અંગે વાયરલ થયેલા વીડિયોમાં
અરજદારો ફોર્મ કાઉન્ટર સુધી પહોંચવા માટે એકબીજા સાથે ધક્કા મુક્કી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા.અરજદારોને કલાકો સુધી ખોરાક અને પાણી વિના રાહ જોવી પડી હતી, અને તેમાંથી ઘણાને અસ્વસ્થતા અનુભવવા લાગી હતી.
નોંધનીય છે કે હજુ અઠવાડિયા પહેલા જ ગુજરાતના અંકલેશ્વરમાં પણ એક હોટેલની 10 ખાલી જગ્યા માટે હજારો બેરોજગારો ઉમટી પડતા હોટેલની રેલિંગ તૂટી પડી હતી.
શું કરીએ, ક્યાંય નોકરી મળતી નથી: M Com થયેલા યુવાનની વ્યથા
એરપોર્ટ લોડર્સને એરક્રાફ્ટ પર સામાન લોડ અને અનલોડ કરવાનું અને બેગેજ બેલ્ટ અને રેમ્પ ટ્રેક્ટર ચલાવવાનું કામ સોંપવામાં આવે છે. દરેક એરક્રાફ્ટને સામાન, કાર્ગો અને ખાદ્યપદાર્થો માટે ઓછામાં ઓછા પાંચ લોડરની જરૂર હોય છે. લોડર્સને 20 થી 25 હજાર રૂપિયા વચ્ચે પગાર આપવામાં આવે છે. આ જગ્યા માટે પ્રાથમિક શિક્ષણ જ જરૂરી હોવા છતાં અનેક ગ્રેજ્યુએટ અને માસ્ટર ડિગ્રી મેળવનારા બેરોજગારો એ પણ અરજી કરી હતી. મુંબઈથી 400 km દૂર બલધારા થી આવેલા એક ગ્રેજ્યુએટ યુવાને કહ્યું કે ક્યાંય નોકરી મળતી નથી એટલે અહીંયા પ્રયત્ન કરું છું. એમ કોમ ની ડિગ્રી મેળવનાર રાજસ્થાનના અલવરના યુવાને પણ તેની લાયકાતને યોગ્ય નોકરી ન મળતી હોવાનો ખેદ વ્યક્ત કર્યો હતો.