મજૂરોએ સંભળાવી સુરંગની અંદર શું કરતાં હતા, કેવી રીતે દિવસો કાઢ્યા ? વાંચો
ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા તમામ 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ રેસ્ક્યૂ ઓપરેશન ખુબ પડકારભર્યું રહ્યું. અનેક અસફળતાઓ બાદ આખરે ટીમને સફળતા મળી અને તમામ શ્રમિકોના જીવ બચી ગયા. ટનલમાં ફસાયેલા એક શ્રમિકે સમગ્ર ઘટના વિશે જણાવ્યું. આ 17 દિવસોમાં તેમણે ફોન પર લૂડો રમીને સમય વિતાવ્યો. ટનલમાં આવનારા પાણીથી સ્નાન કર્યું. મમરા અને ઈલાયચીથી પોતાની ભૂખ મીટાવી. ઝારખંડના ખૂંટી જિલ્લામાં રહેતા ચમરા ઓરાંવે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં સમગ્ર ઘટના વિસ્તારપૂર્વક જણાવી છે.
ઓરાંવે કહ્યું કે તાજી હવાની ગંધ એક નવા જીવન જેવું મહેસૂસ થયું. તેમણે 41 મજૂરોને બચાવવાનો શ્રેય 17 દિવસ સુધી અથાગ પ્રયત્નો કરનારા બચાવકર્મીઓ અને ઈશ્વરને આપ્યું છે. ઓરાંવે કહ્યું, જૌહાર! અમે સારા છીએ. અમે ભગવાનમાં વિશ્વાસ રાખતા હતા અને તેનાથી અમને તાકાત મળી. અમને પણ વિશ્વાસ હતો કે 41 લોકો ફસાયેલા છે તો કોઈને કોઈ તો અમને બચાવી લેશે. હું મારી પત્ની સાથે વાત કરવા માટે રાહ જોઈ શકું નહીં. ત્રણ બાળકો ખૂંટીમાં મારી રાહ જોઈ રહ્યા છે. ઓરાંવે કહ્યું કે તે મહિને 18000 રૂપિયા કમાય છે.
ઓરાંવે તે દિવસની ઘટનાને યાદ કરતા કહ્યું કે તે 12 નવેમ્બરની સવારે કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જોરદાર અવાજ સાંભળ્યો અને કાટમાળ પડતા જોયો. ઓરાંવે કહ્યું કે હું મારો જીવ બચાવવા માટે ભાગ્યો પરંતુ ખોટી દિશમાં ફસાઈ ગયો. જેવું ખબર પડી કે અમે લાંબા સમય માટે ફસાઈ ગયા છીએ તો અમે બેચેન થઈ ગયા. પરંતુ મદદ માટે અમે ચૂપચાપ પ્રાર્થના કરી. મે ક્યારેય આશા ગુમાવી નહતી.
ઓરાંવે કહ્યું કે લગભગ 24 કલાક બાદ અધિકારીઓએ મમરા અને ઈલાયચીના બીજ મોકલ્યા. ઓરાંવે કહ્યું કે જ્યારે અમે પહેલો કોળિયો ખાધો તો અમને લાગ્યું કે કોઈ ઉપરવાળો અમારી પાસે આવ્યો છે. અમે ખુબ ખુશ હતા. અમને આશ્વાસન આપવામાં આવ્યું કે અમને બચાવી લેવાશે. પરંતુ સમય પસાર કરવાની જરૂર હતી. આથી અમે અમારી જાતને ફોન પર લૂડોમાં ડૂબાડી દીધી. ફોન ચાર્જ કરવા માટે વીજળીની પણ સુવિધા હતી. નેટવર્ક નહીં હોવાના કારણે અમે કોઈને ફોન કરી શકતા નહતા. અમે પરસ્પર વાતચીત કતા અને એક બીજાને જાણ્યા.
જ્યારે એવું પૂછવામાં આવ્યું કે તમે ફ્રેશ થવા માટે શું કરતા હતા. ઓરાંવે કહ્યું કે, અમે કુદરતી પહાડી પાણીનો ઉપયોગ કરીને સ્નાન કર્યું. ફ્રેશ થવા માટે એક જગ્યા નક્કી કરી લીધી હતી. ઓરાંવે કહ્યું કે તેઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છે. હવે તેઓ ઘરે પહોંચશે અને નક્કી કરશે કે આગળ શું કરશે.
બીજી બાજુ ઝારકંડના જ એક બીજા શ્રમિક 26 વર્ષના વિજય રોહોના પરિવારને વિશ્વાસ છે કે તે હવે બહાર યાત્રા પર જાય. તેના ભાઈ રોબિને કહ્યું કે વિજયે એમ્બ્યુલન્સમાંથી મારી સાથે વાત કરી. તે ખુબ ખુશ હતો. તેણે કહ્યું કે ચિંતા ન કરો. તે સારી સ્થિતિમાં છે. અમે બંને શિક્ષિત છીએ. અમે ઝારખંડમાં નોકરી મેળવવાની કોશિશ કરીશું પરંતુ જો અમને પૈસાની જરૂર હશે તો પણ અમે ઓછા જોખમવાળી નોકરી શોધીશું.