જમ્મુ-કાશ્મીરમાં કેવી આવી આફત ? વાંચો
કેટલા મકાન પડ્યા ?
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે જનજીવન મુશ્કેલીમાં મૂકાઈ ગયુ હતું અને ખાનાખરાબીના દ્રશ્યો સર્જાયા હતા. .રાજ્યમાં ત્રણ ડઝનથી વધુ મકાનો ધરાશાયી થઈ ગયા હતા અને ઘણા મકાનો ધરાશાયી થવાના આરે છે. બારામુલ્લા, કિશ્તવાડ અને રિયાસી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. કિશતવાડ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું.
બીજી તરફ કિશ્તવાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે 12 મકાનોને નુકસાન થયું હતું. જેના કારણે અધિકારીઓએ ડિઝાસ્ટર રિસ્પોન્સ મશીનરીને હાઈ એલર્ટ પર રાખવી પડી છે. આ અંગે એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે છેલ્લા ચાર દિવસથી વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે વહીવટીતંત્રએ ડિઝાસ્ટર રિસ્પોન્સ મશીનરીને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે. તેમણે કહ્યું કે સંબંધિત તહસીલદારોના અહેવાલોમાં તહસીલ નાગસેની, મુગલમેદાન અને કિશ્તવાડ વિસ્તારોમાં લગભગ એક ડઝન મકાનોને નુકસાન થયું હોવાના સંકેત આપ્યા છે.
હવામાન વિભાગે મંગળવારે પણ મોટાભાગના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદની આગાહી કરી હતી. આવી સ્થિતિમાં મંગળવારે કાશ્મીરમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કાશ્મીરમાં મંગળવારે યોજાનારી જુનિયર આસિસ્ટન્ટની ટાઈપ પરીક્ષા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. જમ્મુ-શ્રીનગર હાઈવે અંગે અધિકારીઓએ યાત્રીઓને જ્યાં સુધી કાટમાળ સાફ ન થાય ત્યાં સુધી હાઈવે પર મુસાફરી ટાળવાની સલાહ આપી છે.