જાણો પ્રથમ તબક્કામાં ક્યાં રાજ્યમાં અને કેટલી બેઠક ઉપર મતદાન
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ૧૭ રાજ્યો અને પાંચ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચૂંટણી પંચની તૈયારીઓ પૂરી : જાહેર પ્રચાર પૂરો : આઠ કેન્દ્રીય મંત્રીઓ, પૂર્વ રાજ્યપાલ સહિતના નેતાઓનું ભાવી ઘડાશે
ઘણા લાંબા સમયથી ગાજી રહેલી લોકસભાની ચૂંટણી અંતે નજીક આવી ગઈ છે અને બુધવારે ૧૭ રાજ્યો તથા ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જાહેર પ્રચાર પૂરો થઇ ગયો છે અને આ વિસ્તારની કુલ ૧૦૨ બેઠકો ઉપર શુક્રવારે મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે મતે ચૂંટણી પંચે પૂરી તૈયારી કરી છે અને તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે તે નિષ્પક્ષ, મુક્ત અને સુરક્ષિત લોકસભા ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે.
બુધવારે જાહેર પ્રચારનો છેલ્લો દિવસ હોવાથી ભાજપ, કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, ડી.એમ.કે. ઉપરાંત પ્રાદેશિક પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું.
પ્રથમ તબક્કામાં તા. ૧૯ને શુક્રવારે તમિલનાડુમાં 39, રાજસ્થાનમાં 12, ઉત્તર પ્રદેશમાં 8, મધ્યપ્રદેશમાં 6, ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રમાં 5-5, બિહારમાં 4, પશ્ચિમ બંગાળમાં 3, અરુણાચલ પ્રદેશ, મણિપુરમાં 2-2 મેઘાલય. અને છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં 1-1 સીટ પર મતદાન થશે.
પહેલા તબક્કાના આ મતદાનમાં આઠ કેન્દ્રીય મંત્રીઓ, બે પૂર્વ મુખ્યમંત્રીઓ, એક પૂર્વ રાજ્યપાલ સહિતના મહાનુભાવોનું રાજકીય ભાવી ઘડાશે. કેન્દ્રીય મંત્રીઓમાં માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ( નાગપુર ) ,કિરણ રીજીજુ ( અરુણાચલ પશ્ચિમ ), સર્વાનંદ સોનોવાલ ( દિબ્રુગઢ ) ભુપેન્દ્ર યાદવ (અલવર) અર્જુનરામ મેઘવાલ ( બિકાનેર ) ઉપરાંત એ.રાજા, કાર્તી ચિદમ્બરમ, કે. અન્નામલાઈ, પૂર્વ રાજ્યપાલ તામીલીસાઈ સુંદરરાજન, નકુલનાથ સહિતના નેતાઓનું ભાવી ઘડાશે.
ચૂંટણી પંચ સુરક્ષા સંવેદનશીલ રાજ્યો અને ઘટનાઓની સંભાવના ધરાવતા મતવિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે. તમામ જિલ્લાઓમાં સંકલિત કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે, જે સાત દિવસ અને 24 કલાક કામ કરે છે. સંવેદનશીલ મતદાન મથકો પર વેબકાસ્ટિંગની સુવિધા આપવામાં આવી છે. પંચની માર્ગદર્શિકાને અનુસરીને, તમામ પોલીસ સ્ટેશનો તેમના સંબંધિત અધિકારક્ષેત્રમાં લાઇસન્સવાળા હથિયારો જમા કરાવી દીધા છે. ગુનાહિત છબી ધરાવતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલ, બીજા તબક્કા માટે 26 એપ્રિલ, ત્રીજા તબક્કા માટે 7 મે, ચોથા તબક્કા માટે 13 મે, પાંચમા તબક્કા માટે 20 મે, છઠ્ઠા તબક્કા માટે 25 મે અને સાતમા તબક્કા માટે 1 જૂને મતદાન થશે. પરિણામ 4 જૂને આવશે.
