રાહુલ પર રાજનાથે કેવો કર્યો કટાક્ષ ? વાંચો
કોની સાથે કરી સરખામણી ?
લોકસભાની ચુંટણી માટેના પ્રચાર જંગમાં ઘણી રસપ્રદ વાતો નેતાઓના મોઢે લોકોને સાંભળવા મળી રહી છે. આક્ષેપોના આદાન પ્રદાન વચ્ચે હવે ટોચના નેતાઓ પણ ક્રિકેટની ભાષામાં કટાક્ષ કરી રહ્યા છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ક્રિકેટર ધોની સાથે સરખાવીને ભારતીય રાજકારણના બેસ્ટ ફિનિશર ગણાવ્યા હતા. આ કટાક્ષ ભારે ચર્ચામાં રહ્યો છે. મધ્ય પ્રદેશમાં એક રેલીને સંબોધન દરમિયાન એમણે આ કટાક્ષ કર્યો હતો.
સિંહે કહ્યું કે, મને ક્યારેક-ક્યારેક આશ્ચર્ય થાય છે કે, આવું કેમ થઈ રહ્યું છે, અને હું એ નિષ્કર્ષ પર પહોંચુ છું. ક્રિકેટમાં સૌથી શ્રેષ્ઠ ફિનિશર કોણ છે? ધોની. જો કોઈ મને પૂછે કે, ભારતીય રાજકારણમાં સૌથી બેસ્ટ ફિનિશર કોણ છે? તો હું કહીશ કે તે રાહુલ ગાંધી છે. આ જ કારણે અનેક નેતાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે.
રાજનાથ સિંહે એ પણ આરોપ લગાવ્યો કે કોંગ્રેસનો ભ્રષ્ટાચાર સાથે અતૂટ સંબંધ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર વચ્ચે ઊંડો સંબંધ છે. મોટાભાગની કોંગ્રેસ સરકારો પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના કોઈપણ મંત્રી પર આવા કોઈ આરોપો નથી લાગ્યા.
એક સમયે ભારતીય રાજકીય ક્ષેત્રમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું પરંતુ હવે તે દેશમાં માત્ર બે કે ત્રણ નાના રાજ્યોમાં જ શાસન કરી રહી છે. અગાઉ એક રેલીમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે, રાહુલ ગાંધી ત્યાં સુધી નહીં અટકશે જ્યાં સુધી તેઓ કોંગ્રેસને ખતમ નહીં કરી દેશે.