મહિલા ઉપર દુષ્કર્મ કરીને ક્રુરતાપૂર્વક હત્યા કરનારને ફાંસી
ફરીદાબાદની ઘટનામાં કોર્ટે આપ્યો ચુકાદો : દુષ્કર્મ કરીને પ્રાઈવેટ પાર્ટમાં પાઈપ નાખ્યો, પછી ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી
દિલ્હીમાં જે ક્રુરતાથી નિર્ભયા ઉપર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી તેવી જ રીતે હરિયાણાનાં ફરીદાબાદમાં એક દિવ્યાંગ મહિલા ઉપર દુષ્કર્મ કરીને ક્રુરતા આચરનાર અને પછી હત્યા કરી નાખનાર મનોજ નેપાળી નામના એક શખસને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સાથોસાથ એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
બળાત્કાર અને હત્યાની આ FIR ફરીદાબાદના સેક્ટર-8 પોલીસ સ્ટેશનમાં 8 નવેમ્બર 2022ના રોજ નોંધવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે સેક્ટર-7માં ગુરુદ્વારા પાછળના પાર્ક પાસે મહિલાની લાશ પડી છે. ત્યાં હાજર વિશાલની ફરિયાદ પર સેક્ટર-8 પોલીસ સ્ટેશનમાં હત્યાની એફઆઈઆર નોંધવામાં આવી હતી.
ઘટના સ્થળની આસપાસના કેટલાય કિલોમીટરના સીસીટીવી કેમેરાના ફૂટેજને સ્કેન કરવામાં આવ્યા હતા. નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં એક યુવક મહિલા સાથે ફરતો જોવા મળ્યો હતો. સીસીટીવીમાંથી મળેલા આરોપીના ફોટાના આધારે પોલીસે ઘટનાના થોડા દિવસો બાદ તેની ધરપકડ કરી હતી. તેની ઓળખ નેપાળના સામકા જિલ્લાના મનોજ તરીકે થઈ હતી. તે સમયે આરોપી ફરીદાબાદના સેક્ટર-12 વિસ્તારમાં રહેતો હતો અને રસોઈયા અને મજૂરીનું કામ કરતો હતો.
આરોપી મનોજની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે 7 નવેમ્બરની સાંજે તે લેબર ચોક સેક્ટર-17, ફરીદાબાદથી કામ કરીને સેક્ટર-7 તરફ જઈ રહ્યો હતો. તેણે એસઆરએસ મોલ પાસેના પાર્ક પાસે એક મહિલાને રસ્તાના કિનારે બેઠેલી જોઈ. દારૂના નશાને કારણે તેનો ઈરાદો બગડી ગયો અને તેણે મહિલા પાસે જઈને તેની સાથે વાત કરી. તેને ખબર પડી કે મહિલા તેના પતિ સાથે કોઈ વિવાદને કારણે ઘરેથી અહીં આવી હતી. આરોપીએ મહિલાને વિશ્વાસમાં લઈ કહ્યું કે હું તારી સાથે લગ્ન કરીશ. પતિથી નારાજ મહિલા આરોપીના સકંજામાં આવી ગઈ અને તે તેને સેક્ટર-7 ગુરુદ્વારા પાછળ એક નિર્જન જગ્યાએ લઈ ગયો હતો.
આ દરમિયાન તેણે મહિલા સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે વિરોધ કર્યો હતો. જો કે આ પછી આરોપીએ તેના પર બળાત્કાર કર્યો અને તેના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડની પાઈપ નાખી દીધી. જ્યારે તેણે બૂમો પાડી ત્યારે તેણે તેનું માથું દિવાલ પર અથડાવ્યું હતું અને ચુન્ની વડે તેનું ગળું દબાવી હત્યા કરી હતી. ફરિયાદ પક્ષે રજૂ કરેલા મજબૂત પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે આરોપી મનોજને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે તેને ફાંસીની સજા અને 1 લાખ 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.