આખુ પાકિસ્તાન ઈચ્છે છે કે મોદી ચૂંટણી હારે : ફવાદ ચૌધરી
ભારત-પાકિસ્તાનના સારા સંબંધો માટે કટ્ટરવાદીઓ હારે તે જરૂરી છે : રાહુલ, મમતા અને કેજરીવાલને શુભેચ્છા પણ આપી
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે જે પ્રગતિ કરી છે, જે વિકાસ કર્યો છે તેનાથી પાકિસ્તાનને કાયમ માટે બળતરા થઇ રહી છે અને આ બળતરા અત્યારે ચાલી રહેલી ચૂંટણી સંદર્ભે પણ થઇ છે. પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીએ આ વખતે નરેન્દ્ર મોદીના પરાજયની કામના કરી છે. તેમણે કહ્યું છે કે, પાકિસ્તાનમાં બધા ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી હારે.
ભારતમાં થઈ રહેલી લોકસભા ચૂંટણીમાં પાકિસ્તાન ના માત્ર રસ લઈ રહ્યું છે, પરંતુ એ હસ્તક્ષેપ પણ કરી રહ્યું છે. પાકિસ્તાનના જ ભૂતપૂર્વ સરકારના મંત્રી ફવાદ ચૌધરી સતત ભારતની ચૂંટણી પર નિવેદનબાજી કરી રહ્યા છે. તેમનાં નિવેદનો પર ભારતમાં રાજકારણમાં ચર્ચા થઈ રહી છે.
પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીએ વડા પ્રધાન મોદીના જૂના નિવેદનને આધાર બનાવતાં કહ્યું છે ભારતના મતદાતાનો અસલ લાભ એ વાતમાં છે કે પાકિસ્તાન સાથે તેના સંબંધો સારા થાય. ભારત વિકાસશીલ દેશ તરફ આગળ વધે. તેમણે આગળ કહ્યું છે કે આ બધું ત્યારે થઈ શકે, જ્યારે મોદી અને તેમની વિચારધારાને હરાવી શકાય. હવે જે પણ નેતા તેમને હરાવશે- પછી એ રાહુલ ગાંધી હોય, કેજરીવાલ હોય કે પછી મમતા બેનરજી હોય- અમારી શુભકામનાઓ તેમની સાથે છે. જે પણ કટ્ટરપંથીઓને હરાવશે, તેમને અમારો ટેકો રહેશે.
વડા પ્રધાન મોદીને ફવાદના નિવેદન વિશે માલૂમ પડ્યું હતું, ત્યારે તેમણે કહ્યું હતું કે તેમના વિરોધીઓને કઈ રીતે પાકિસ્તાનથી સપોર્ટ મળી રહ્યો છે. તેમણે એ વાતે ચિંતા વ્યક્ત કરી હતી કે તપાસ કરવાની વાત કરી હતી.
બીજી બાજુ ભાજપ આ વાતને લઈને મોટો મુદ્દો બનાવી રહી છે. ભાજપ રાષ્ટ્રવાદની પિચ પર બેટિંગ કરી રહ્યો છે. એ વિરોધીઓને પાકિસ્તાનના મિત્ર બનાવીને મત હાંસલ કરવાના પ્રયાસ કરી રહ્યો છે. ભાજપના નેતાઓ કહી ચૂક્યા છે કે જો ઇન્ડિયા ગઠબંધન જીતશે તો પાકિસ્તાનમાં ફટકડા ફૂટશે.