મહારાષ્ટ્રમાં નવેમ્બરના બીજા અઠવાડિયામાં ચૂંટણી યોજાશે : મુખ્યમંત્રીએ આપ્યો નિર્દેશ
મહાયુતીમાં બેઠક વહેંચણી ગતિવિધિ જોરમાં ભાજપે 150 થી 160 બેઠકો પર દાવો કર્યો
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના બીજા અઠવાડિયામાં યોજાઈ શકે છે તેવું મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું. તેમણે ચૂંટણી બે ચરણમાં યોજાશે તેવી પણ અપેક્ષા વ્યક્ત કરી હતી. બીજી તરફ શિવસેના ( શિંદે ),ભાજપ અને એનસીપી (અજીત પવાર )ના બનેલા મહાયુતી ગઠબંધનમાં સીટ શેરીગ અંગે અંતિમ ચરણની મંત્રણાઓનો દોર શરૂ થઈ ગયો છે.
ચૂંટણી પંચે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીની તારીખોનું એલાન કર્યું હતું પરંતુ મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણી અંગે હજુ ઘોષણા થવાની બાકી છે ત્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નવેમ્બરના બીજા અઠવાડિયામાં ચૂંટણી યોજવાની સંભાવના દર્શાવ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિ જોર પકડવા લાગી છે.
એ દરમિયાન મહાયુતીના સાથી ઘટકોમાં બેઠક વહેંચણી અંગે તીવ્ર મતભેદ સર્જાયા હોવાના અહેવાલો વહેતા થયા હતા. વિશ્વાસપાત્ર સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય જનતા પક્ષે મહારાષ્ટ્રની કુલ 247 બેઠકોમાંથી 150 થી 160 બેઠકો પર દાવો કર્યો હતો. એ સંજોગોમાં શિવસેના અને એનસીપી વચ્ચે માત્ર 128 થી 138 બેઠકો જ વધે તેવું ગણિત મંડાયું હતું. ટૂંકમાં ભાજપ મોટાભાઈની ભૂમિકામાં રહેશે તેવું ચિત્ર ઉપસ્યું છે.
આ અંગે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વધુ વિગતો આપવાને બદલે માત્ર જીતવાની ક્ષમતા ઉપર ઉમેદવાર નક્કી કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું. નોંધનીય છે કે મહાયૂતીમાં એનસીપી ( અજીત પવાર ) ના સમાવેશ સામે ભાજપમાં તીવ્ર વિરોધ છે. આ સંજોગોમાં અજીત પવારના પક્ષને કેટલી બેઠકો ફાળવવામાં આવશે તે જોવાનું રસપ્રદ બની રહેશે.
શિંદેને બહુમતી મળવાનો વિશ્વાસ
એકનાથ શિંદે એ કહ્યું કે અમારી કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ પ્રત્યેની દ્રષ્ટિને મહારાષ્ટ્રની પ્રજાએ વધાવી લીધી છે. સ્કિલડ પ્રોગ્રામ હેઠળ 1.50 લાખ યુવાનોને એપોઇન્ટમેન્ટ લેટર અપાઈ ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું. લાડલી બહેન યોજના ગેમ ચેન્જર સાબિત થશે તેવી આશા દર્શાવી તેમણે મહાયુતીને પૂર્ણ બહુમત મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાજપ માટે મહારાષ્ટ્ર પ્રતિષ્ઠાનો જંગ
લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને એનડીએને સૌથી વધારે નુકસાન મહારાષ્ટ્રમાં ગયું હતું. સંસદની 48 બેઠકોમાંથી ભારતીય જનતા પક્ષને માત્ર નવ બેઠક મળી હતી. શિવસેના ( શિંદે ) નો સાત બેઠક ઉપર વિજય થયો હતો ત્યારે અજીત પવારના પક્ષને માત્ર એક જ બેઠક મળી હતી. સામા પક્ષે ઇન્ડિયા ગઠબંધને 48 માંથી 30 બેઠકો પર વિજય મેળવ્યો હતો. સૌથી વધારે કોંગ્રેસને 13 બેઠકો મળી હતી. શરદ પવારના પક્ષનો આઠ અને ઉદ્ધવ ઠાકર ની શિવસેનાનો નવ બેઠક ઉપર વિજય થયો હતો. આ પરિણામો બાદ મહારાષ્ટ્રમાં ગુમાવેલી જમીન પરત મેળવવાનો ભાજપ અને એનડીએ સામે મોટો પડકાર છે. આ સંજોગોમાં મહારાષ્ટ્રના જંગ ઉપર બધાની નજર રહેશે.