દેશમાં સૌથી વધુ વરસાદ દ્વારકા, પોરબંદર અને જુનાગઢમાં
હવામાન ખાતાના ડેટા અનુસાર, છેલ્લા એક અઠવાડિયા દરમિયાન
ટોચના છ જિલ્લામાં ચાર સૌરાષ્ટ્રના, જામનગરનો પણ સમાવેશ
ત્રણ-ત્રણ સક્રિય સીસ્ટમને લીધે સર્વત્ર જળબંબોળ
જો કે, ૧૫ જિલ્લાઓમાં વરસાદની ૨૦ % ઘટ છે
ક્લાઈમેટ ચેન્જ કહો કે પછી વરસાદની પેટર્નમાં ફેરફાર કહો પરંતુ આ વખતે મેઘરાજાએ ગુજરાતને બરાબર ધમરોળી લીધુ છે. આમ તો ગુજરાત સૌથી વધુ વરસાદ મેળવતા રાજ્યોની યાદીમાં નથી આવતું પરંતુ આ વખતે છેલ્લા એક અઠવાડિયામાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો દેશના ટોચના જે છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે તેમાં ગુજરાતના ચાર જિલ્લા છે. અને તેમાં પણ આશ્ચર્યની બાબત એ છે કે, આ ચારેય જિલ્લા સૌરાષ્ટ્રના છે.
આ વખતે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને જામનગર જિલ્લામાં સુપડાધારે વરસાદ પડ્યો છે અને ગામેગામ જળમગ્ન બની ગયા છે. આ રેકોર્ડ બ્રેક વરસાદે રાજ્યના આ ચારેય જિલ્લાઓને રાષ્ટ્રીય નકશા પર મૂક્યા છે. 700% થી વધુ વરસાદ સાથે ભારતના 788 માં ટોચના ત્રણ જિલ્લાઓ ગુજરાતના છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 17 અને 24 જુલાઈ વચ્ચે 1422% વધુ વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ પોરબંદર (1101%) અને જૂનાગઢ (712%) નો સમાવેશ થાય છે.
સમગ્ર ભારતમાં, છ જિલ્લાઓમાં સાપ્તાહિક સામાન્ય વરસાદ કરતાં 500% થી વધુ વરસાદ નોંધાયો હતો, જેમાંથી ચાર ગુજરાતના અને બે આંધ્રપ્રદેશના હતા.
હવામાન ખાતા-ગુજરાતના વડા અશોકકુમાર દાસે જણાવ્યું હતું કે આ વર્ષે દેવભૂમિ દ્વારકા સહીત સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં અસામાન્ય રીતે ભારે વરસાદ જોવા મળ્યો છે. રાજ્યમાં વરસાદની ત્રણ ત્રણ સીસ્ટમ કાર્યરત હતી “કેટલાક અભ્યાસોએ છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે વધતા વરસાદની પેટર્નનો સંકેત આપ્યો છે.”
ગુજરાતના જિલ્લાઓમાં ચોમાસાની અસમાનતા ચાલુ છે કારણ કે 12 જિલ્લાઓમાં એકંદરે 20% થી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં 100% થી વધુ વરસાદ ધરાવતા ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે. જો કે પંદર જિલ્લાઓમાં, ગુરુવાર સુધીમાં 20% થી વધુની ખાધ હતી.
ભારતીય હવામાન વિભાગ ના ડેટા દર્શાવે છે કે ગુરુવાર સુધી, ગુજરાતમાં લાંબા ગાળાની સરેરાશની સરખામણીમાં 23% વધુ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છ માં 67% વધુ છે, જ્યારે બાકીના ગુજરાત માટે 10% ખાધ છે. જોકે, આ ખાધ પખવાડિયા પહેલાના 25%થી ઘટી છે.
દેવભૂમિ દ્વારકામાં 260% સાથે સૌથી વધુ વરસાદ છે, ત્યારબાદ પોરબંદર (165%) અને જૂનાગઢ (128) છે. 49% પર, મહીસાગરમાં સામાન્યની સરખામણીમાં સૌથી વધુ ખાધ છે, ત્યારબાદ દાહોદ (48%) અને અરવલ્લી (46%) છે. અત્યાર સુધી માત્ર છ જિલ્લામાં જ સામાન્ય વરસાદ નોંધાયો છે.
હવામાન ખાતાએ શનિવારે સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. શનિવાર પછી તેની તીવ્રતા ઘટી શકે છે.
દેશના ટોચના જિલ્લા જ્યાં અઠવાડિયામાં ૫૦૦ ટકાથી વધુ વરસાદ થયો
દેવભૂમિ દ્વારકા -૧૪૨૨ %
પોરબંદર – ૧૧૦૧ %
જુનાગઢ -૭૧૨ %
વિશાખાપટ્ટનમ ( આંધ્ર) -૬૮૪ %
અનાકાપલ્લી ( આંધ્ર) -૫૭૦ %
જામનગર -૫૧૭ %
સોર્સ : IMD