શું તમે જાણો છો કે ભારતનો રાષ્ટ્રધ્વજ ક્યાં બને છે અને તેને બનાવવાના નિયમ શું છે?
ત્રિરંગો બનાવવાનું દેશનું એકમાત્ર યુનિટ
કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘ ત્રિરંગો તૈયાર કરે છે. આ ખાદી ગ્રામોદ્યોગ કર્ણાટકના હુબલી શહેરના બેનગેરી વિસ્તારમાં સ્થિત છે. તેને ખાદી ગ્રામોદ્યોગ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે. દેશનું આ એકમાત્ર ત્રિરંગો બનાવવાનું યુનિટ છે. તેને વર્ષ 2005-06માં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ તરફથી પ્રમાણપત્ર મળ્યું હતું. જે બાદ અહીં ત્રિરંગો બનવા લાગ્યો હતો. દેશમાં જ્યાં પણ સત્તાવાર રીતે ત્રિરંગાની જરૂરિયાત હોય ત્યાં આ યુનિટ ત્રિરંગાની સપ્લાય કરે છે.
ખામીઓ જણાય તો તેને રિજેક્ટ કરવામાં આવે છે
ત્રિરંગો બનાવ્યા બાદ ભારતીય માનક બ્યુરો તેની તપાસ કરે છે. સહેજ પણ ખામીઓ જણાય તો તેને રિજેક્ટ કરવામાં આવે છે. નિયમો અનુસાર, ત્રિરંગો બનાવતી વખતે રંગ, દોરો અને કદમાં ઘટાડો કરવો ગુનો માનવામાં આવે છે. ત્રિરંગાના નિર્માણ માટે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયામાં જોગવાઈઓ અને નિયમો આપવામાં આવ્યા છે.
કેવી રીતે બને છે ત્રિરંગો
ત્રિરંગો ત્રણ લંબચોરસ ભાગોનો બનેલો છે. આ ત્રણ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ બરાબર હોય છે. રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગ, વચ્ચે સફેદ રંગ અને નીચે લીલો રંગ હોય છે. ત્રિરંગાની મધ્યમાં સફેદ રંગના લંબચોરસમાં વાદળી રંગનું અશોક ચક્ર હોય છે.
રાષ્ટ્રધ્વજમાં કયા ફેબ્રિકનો ઉપયોગ થાય છે
ભારતનો રાષ્ટ્રધ્વજ કોટન, રેશમ અને ઊનથી બને છે. ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ-પહોળાઈ વિશે વાત કરીએ તો, તે હંમેશા 3:2 હોય છે. એટલે કે જો લંબાઈ 3 ઈંચ હોય તો પહોળાઈ 2 ઈંચ હોય છે.