કોલકતામાં મહિલા તબીબ પર દુષ્કર્મના ઘેરા પ્રત્યાઘાત : તબીબોની રાષ્ટ્રવ્યાપી હડતાળ ; દર્દીઓને હાલાકી
- દિલ્હી,મુંબઈ સહિત અનેક શહેરોમાં તબીબી સેવા ખોરવાઈ: ઓપીડી બંધ: હજારો દરદીઓને હાલાકી
કોલકતાની આર.જે. કાર હોસ્પિટલમાં 31 વર્ષની મહિલા તબીબ પર થયેલા દુષ્કર્મના વિરોધમાં ધી ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોિયેશને આપેલા એલાનને પગલે દેશના અનેક શહેરોની હોસ્પિટલોના તબીબો હડતાળ ઉપર ઉતરતા ઓપીડી સહિતની બીનઆવશ્યક તબીબી સેવાઓ ખોરવાઈ ગઈ હતી.પશ્ચિમ બંગાળમાં મોટાભાગની હોસ્પિટલોમાં સતત ચોથા દિવસે તબીબોની હડતાળને કારણે ઓપીડી સેવા બંધ રહેતા દર્દીઓની હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું.તબીબોના સંગઠને આ પીડિતાની ગરિમા તથા તેની જિંદગીનું રક્ષણ ન કરી શકનાર તમામ ઉચ્ચ અધિકારીઓનાં રાજીનામાની માંગણી કરી છે.બીજી તરફ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાને પત્ર લખીને ડૉક્ટરો વિરુદ્ધ હુમલા અને હિંસાને રોકવા માટે કેન્દ્રીય કાયદો ઘડવાની અને હોસ્પિટલોને સેફ ઝોન જાહેર કરવાની માગણી કરી છે.

કોલકતામાં બનેલી ઘટનાથી તબીબી આલમ સ્તબ્ધ બની ગઈ છે.રોષે ભરાયેલા તબીબોએ અંતે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.બુધવારે આ હડતાળમાં દિલ્હી એઇમ્સ સહિત મુંબઈ,લખનૌ,બેંગલુરુની ટોચની હોસ્પિટલોના તબીબો હડતાળ ઉપર ઉતરી ગયા હતા.દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં ઓપરેશનની સંખ્યામાં 80 ટકાનો અને નવા દર્દીની ભરતીની સંખ્યામાં 35 ટકાનો ઘટાડો નોંધાયો હતો.લખનૌમાં કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં પ્રદર્શનકારી તબીબોએ કૂચ કરીને ઓપીડી બંધ કરાવી હતી.મુંબઈની જે.જે.હોસ્પિટલ, સાયન હોસ્પિટલ,નાયર હોસ્પિટલ અને કિંગ એડવર્ડ હોસ્પિટલ સહિત અનેક નામાંકિત હોસ્પિટલના તબીબો આ આંદોલનમાં સહભાગી બન્યા હતા.બેંગલુરુની NIMHANS હોસ્પિટલના તબીબો પણ કામથી દૂર રહ્યા હતા.મહારાષ્ટ્ર એસો.ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા પણ હડતાળનું એલાન આપવામાં આવતાં રાજ્યમાં અનેક હોસ્પિટલમાં ઓપીડી સેવાને અસર થઈ હતી.

નોંધનીય છે કે આ અત્યંત ધૃણાસ્પદ ઘટના બાદ તબીબોની સુરક્ષા અને સલામતીનો મુદ્દો વધુ એક વખત સપાટી પર આવી ગયો છે.પશ્ચિમ બંગાળના મુખ્પ્રધાન મમતા બેનરજીએ આ ઘટના માટે અન્ય કોઈ જવાબદાર હોય તો તેનો ભેદ રવિવાર સુધીમાં ઉકેલવા પોલીસને તાકીદ કરી છે અને નહીંતર આ કેસ સીબીઆઇને સોંપવાની ઘોષણા કરી છે.આ ઘટનાને પગલે હોસ્પિટલના ઉચ્ચ સતાધીશો સામે રોષ ફાટી નીકળ્યા બાદ પ્રિન્સિપાલ સંદીપ ઘોષે પોતાના પદ અને સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું.

દિલ્હીની 10 સરકારી હોસ્પિટલોમાં હડતાળ
દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજ,રામ મનોહર લોહિયા હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ સહિત દસ સરકારી હોસ્પિટલના તબીબો કામકાજથી દૂર રહેતા ઓપીડી સેવા ઠપ્પ થઈ ગઈ હતી.અનેક પૂર્વ નિર્ધારિત સર્જરી પણ કેન્સલ કરવામાં આવી હતી.દિલ્હી એઇમ્સના સતાધીશોએ તબીબો હોસ્પિટલ પરિસરમાં દેખાવ પ્રદર્શન નથી કરી શકતા એવા હાઇકોર્ટના આદેશનો હવાલો આપી તબીબોને ફરજ પર પરત ફરવાનો આદેશ આપતો સેક્યુલર જારી કર્યો હતો.
બનાવને આપઘાતમાં ખપાવવાની કોશિશ?
આ ભયંકર ઘટનાની તપાસ દરમ્યાન એક ચોંકાવનારો ફણગો ફૂટ્યો હતો.શુક્રવારે સવારે ભોગ બનનાર મહિલા તબીબને એક ફોન દ્વારા તેમની પુત્રીએ આપઘાત કર્યો હોવાની જાણ કરાઇ હતી.ફોન કરનારે પોતાની ઓળખ ચેસ્ટ મેડીસીન વિભાગના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ તરીકે આપી હતી.જો કે તેમણે પોતાનું નામ નહોતું જણાવ્યું.પીડિતાના પિતાએ આ ફોન અંગે જાણ કર્યા બાદ પોલીસે હોસ્પિટલના ટોચના અધિકારીઓની પૂછપરછ શરૂ કરી છે.