નીટ પરીક્ષામાં ગરબડ થઈ, શિક્ષણ મંત્રીની કબૂલાત
નીટ પરીક્ષા રદ નહીં થાય : ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદ સંબોધી :તપાસ માટે હાઇ લેવલ કમિટી બની રહી છે, કોઈ પણ દોષિતને છોડાશે નહીં
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ યુજી પરીક્ષા અંગે ઉઠાવવામાં આવતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને ગુરુવારે સાંજે એમણે પત્રકાર પરિષદમાં એવી કબૂલાત કરી હતી કે પરીક્ષામાં ગોટાળા થયા છે અને અમે કોઈને છોડશું નહીં. હું પોતે આની જવાબદારી સ્વીકારું છું. પ્રધાને કહ્યું, નીટ પરીક્ષા રદ કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓનું કલ્યાણ અમારી પ્રાથમિકતા છે.
આ મામલે કોઈપણ કિંમતે બાંધછોડ કરવામાં આવશે નહીં. અમે નીટ પરીક્ષા મામલે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી રહ્યા છીએ, જે સમગ્ર કેસની તપાસ કરશે. જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. આ મામલાનું રાજ્કીયકરણ થવું જોઈએ નહીં અને કોઈએ અફવા ફેલાવવી જોઈએ નહીં.
પ્રધાને કહ્યું કે, અમે બિહાર સરકાર પાસેથી માહિતી માંગી છે. અમે બિહાર સરકારના સતત સંપર્કમાં છીએ અને પટનાથી અમારી પાસે કેટલીક માહિતી આવી રહી છે. ગુરુવારે પણ કેટલાક અહેવાલો આવ્યા છે. પટના પોલીસ આ ઘટનાના તળિયે જઈ રહી છે. આ કેસનો વિગતવાર અહેવાલ ટૂંક સમયમાં પ્રાપ્ત થશે અને જે પણ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલાના તળિયે જશે, જેથી ભવિષ્યમાં આવી બાબતો પ્રકાશમાં ન આવે.
‘હું જવાબદારી લઉં છું’
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, જે અનિયમિતતાઓ સામે આવી છે તેની જવાબદારી હું લઉં છું. સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ છે. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. અમે દેશનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગીએ છીએ. પેપર લીક એક સંસ્થાકીય નિષ્ફળતા છે. અમે આ માનીએ છીએ. હું આ માટે નૈતિક જવાબદારી લઉં છું. એક કરુણ ઘટના બની છે. આ પડકારજનક સમય છે. હું પોતે ઘણા વિદ્યાર્થીઓને મળ્યો છું. તેમનો ગુસ્સો પણ વ્યાજબી છે. કાયદા પ્રમાણે જે યોગ્ય હશે, અમે તે કરીશું.
કેટલીક એરર થઈ છે
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, અમે પરીક્ષાની પારદર્શિતા સાથે કોઈ સમજૂતી નહીં કરીએ. પ્રાથમિક માહિતી મુજબ કેટલીક ભૂલ ખાસ થઈ છે. હું તમને ખાતરી આપવા માંગુ છું કે જ્યારે નક્કર માહિતી આવશે, અમે ગુનેગારોને કડકમાં કડક સજા અપાવીશું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી હોય કે તેની કોઈ મોટી વ્યક્તિ, જો દોષી સાબિત થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.