સસ્તા ભાવે વાહન અપાવવાના બહાને લોકોને છેતરનાર ગઠિયો પકડાયો
સાત લોકોને સસ્તું વાહન અપાવવાનું અને લોન કરી આપવાનું કહી રૂ.2.73 લાખ પડાવ્યા’તા : થોરાળા પોલીસે કરી કાર્યવાહી
રાજકોટમાં મહિલા સહિત સાત લોકોને સસ્તી કાર અને લોન કરી આપવાનું કહી રેલનગરના ગઠિયા દ્વારા છેતરપિંડી કરી રૂ.2.73 લાખ પડાવવામાં આવી હતા.જે મામલે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાતાની સાથે જ પીએસઆઇ જે.એમ.પરમાર દ્વારા ગઠિયાને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો છે.
બનાવ અંગે નવા થોરાળા મેઈન રોડ પર ગુરૂ બાળક સાહેબના મંદિર સામે રહેતાં મૂળ ખરેડી ગામના વતની હિતેષભાઇ મહેશભાઇ પરમાર (ઉ.વ.36) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રેલનગરના વિશાલ પ્રભાત સોનારાનું નામ આપતાં જણાવ્યું હતું કે, પોતે ઇલેક્ટ્રિક રિપેરિંગનું કામ કરે છે.તેઓ ધાર્મિક પ્રસંગ હોવાથી મામા સાહેબના મંદિરે જતાં હતા ત્યારે આરોપી વિશાલ સાથે પરિચય થયો હતો. અને વિશાલ સસ્તી કાર અપાવવાનું કામ કરતો હોય તેવું જાણવા મળતા તેમણે પોતાને કાર લેવી હોવાનું જણાવ્યું હતું. બાદ 19-4ના પોતે થોરાળા પોલીસ ખાતે હતા.ત્યારે આરોપીનો ફોન આવ્યો હતો. અને સસ્તી કાર એક આવી છે. જો તમારે લેવી હોય તો બોલો તેમ વાત કરી હતી. અને બાદમાં 4500 રૂપિયા માંગતા ફરિયાદી ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા. અને આવી જ રીતે કટકે કટકે 67 હજાર આપ્યા હતા.
રૂપિયા આપ્યા બાદ પણ વિશાલે કાર હિતેષભાઇને અપાવવી ન હતી. અને હિતેષભાઇએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આરોપીએ આ જ રીતે પ્રકાશભાઇ પરમાર,હંસાબેન મકવાણા , ચિરાગભાઈ મકવાણા,અમિત પરમાર પંકજભાઈ ધાંધલ અને સાજિદ મિર્ઝાને લોન અને સસ્તી કાર અપાવવાના નામે કુલ 2.73 લાખની છેતરપિંડી કર્યાનું ખૂલ્યું હતું. જેથી આ મામલે થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપી વિશાલની અટકાયત કરી છે.