નર્સરીની બાળાઓની છેડતી: ભારે બબાલ; હજારો લોકોના દેખાવો
મહારાષ્ટ્રના બદલાપુરમાં ઘટના: રેલ રોકવાનો પ્રયાસ, પોલીસનો હવામાં ગોળીબાર
કોલકાતામાં તબીબની હત્યાના કિસ્સાને લઈને દેશમાં આક્રોશ છે. મુંબઈના થાણેમાં બે યુવતીઓની છેડતીને લઈને હવે ગુસ્સો ચરમસીમા પર છે ત્યારે કોલકાતાની જેમ હવે મહારાષ્ટ્રના બદલાપુરમાં પણ હિચકારી ઘટના અંગે લોકોનો ગુસ્સો જોવા મળ્યો હતો.
મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લાના બદલાપુરની એક નર્સરીમાં ભણતી બે બાળાઓની છેડતીને લઈને મંગળવારે મોટો હોબાળો થયો હતો. હજારો લોકો સડકો પર આવી ગયા હતા. પથ્થરમારા બાદ રેલ રોકવાનો પ્રયાસ થતાં પોલીસે હવામાં ગોળીબાર પણ કર્યો હતો. શારીરિક છેડતીની ઘટનાથી નારાજ વાલીઓએ સમગ્ર જિલ્લામાં જોરદાર દેખાવો કર્યા હતા. હંગામો એટલો મોટો હતો કે લોકોએ સ્કૂલમાં તોડફોડ કરી અને રેલવે ટે્રક બ્લોક કરી દીધો. આ પછી પોલીસે લોકોને કસ્ટડીમાં પણ લીધા હતા.
બાળાઓની છેડતી કરનાર સ્કૂલનો સફાઈ કામદાર અક્ષય શિદે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જે બાદ શાળા પાંચ દિવસ માટે બંધ રાખવામાં આવી હતી. પીડિત બાળકીના પરિવારનો આરોપ છે કે શાળાએ એફઆઈઆર દાખલ કરવામાં મદદ કરી નથી, જેના કારણે એફઆઈઆર નોંધવામાં સમય લાગ્યો હતો.
કોણ છે આરોપી?
ઘટના બાદ શાળા પ્રશાસને શાળાના આચાર્ય, શિક્ષક અને હાજરી આપનાર મહિલાને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યાં આ ઘટના બની ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હતા. પોલીસ શાળાના અન્ય કર્મચારીઓની પણ પૂછપરછ કરી રહી છે. આરોપીની ઓળખ અક્ષય શિદે તરીકે થઈ છે, જે થર્ડ પાર્ટી કંપની દ્વારા સ્કૂલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતો હતો.
પોલીસે હવામાં ગોળીબાર કર્યો
એવું કહેવામાં આવ્યું હતું કે પોલીસે કેસને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માતાપિતાના દબાણને કારણે, આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બદલાપુર રેલ્વે સ્ટેશન પર ચાલી રહેલા વિરોધને કારણે યુપી અને બિહારથી આવતી ઘણી ટે્રનોને અલગ-અલગ જગ્યાએ રોકી દેવામાં આવી હતી. જેના કારણે મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે હવામાં ગોળીબાર કર્યો હતો.