આજથી CBSEની 10મી અને 12મીની પરીક્ષા
દેશભરમાં ૪૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
15મી ફેબ્રુઆરીથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થશે. બંને ધોરણોના મળીને દેશભરમાંથી 44 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એ પહેલા CBSEએ પરીક્ષા દરમિયાન અને એ પહેલા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો અંગે ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

CBSEએ સ્પષ્ટ સૂચના આપી છે કે સવારે 10 વાગ્યા પછી કોઈપણ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પરીક્ષા સવારે 10:30 થી બપોરે 1.30 વાગ્યા સુધી ચાલશે, જ્યારે કેટલાક વિષયો માટે પરીક્ષા સવારે 10.30 થી બપોરે 12.30 વાગ્યા સુધી લેવામાં આવશે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટનો સમય મળશે. વિદ્યાર્થીએ કોઈપણ સંજોગોમાં પરીક્ષા કેન્દ્રમાં અડધો કલાક વહેલા પ્રવેશ કરવો પડશે. પ્રથમ દિવસે ધોરણ 10ની અંગ્રેજી અને ધોરણ 12ની એન્ટરપ્રેનીયોરશીપ વિષયની પરીક્ષા લેવામાં આવશે.