આવતા મહિનાથી કાર ખરીદવી થશે મોંઘી
ઈનપુટ કોસ્ટ અને ઓપરેશનલ ખર્ચમાં થયેલા વધારાને સરભર કરવા માટે કંપનીઓને ભાવ વધારાની ફરજ પડી
મારુતિ સુઝુકી તેની મોડલ રેન્જના ભાવમાં ચાર ટકા સુધી અને મહિન્દ્રા ૩ ટકા સુધી ભાવ વધારશે
જાન્યુઆરી-૨૦૨૫થી કાર ખરીદવી મોંઘી પડી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મારુતી સુઝુકી ઈન્ડિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જાન્યુઆરી 2025થી કારની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીઓને ઈનપુટ કોસ્ટ અને ઓપરેશનલ ખર્ચમાં થયેલા વધારાને સરભર કરવા માટે કારની કિંમતમોમાં વધારો કરવાની ફરજ પડી છે.
દેશની સૌથી મોટી કારમેકર કંપની મારુતિ સુઝુકી જાન્યુઆરીથી તેની મોડલ રેન્જના ભાવમાં ચાર ટકા સુધીનો વધારો કરશે. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેના SUV મોડલ અને કોમર્શિયલ વ્હિકલ્સના ભાવમાં ત્રણ ટકા સુધીનો વધારો કરશે. મારૂતી સુઝુકીએ તેના રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, ઈનપુટ કોસ્ટ અને ઓપરેશનલ ખર્ચમાં વધારો થવાના કારણે કંપની જાન્યુઆરી 2025થી તેની કાર્સની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે. કારની કિંમતોમાં ચાર ટકા સુધીનો વધારો થઈ શકે છે અને કારના મોડલ પર તે અલગ-અલગ હોઈ શકે છે.
કંપનીએ જણાવ્યું હતું કે, કંપની સતત કોસ્ટને ઓપ્ટિમાઈઝ કરવાનો અને ગ્રાહકોને ખર્ચની અસર ઓછામાં ઓછી થાય તેનું ધ્યાન રાખે છે. પરંતુ કેટલાક ખર્ચા એવા હોય છે જેનો બોજ માર્કેટ પર નાંખવામાં આવે છે. ડોમેસ્ટિક માર્કેટમાં મારુતી સુઝુકી અલ્ટો હેચબેકથી લઈને ઈન્વિક્ટો મલ્ટિ-યુટિલિટી વ્હિકલ્સ જેવા મોડલની રેન્જનું વેચાણ કરે છે.
જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જણાવ્યું છે કે, તે આગામી વર્ષે જાન્યુઆરીથી તેના SUVs અને કોમર્શિયલ વ્હિકલ્સની કિંમતોમાં ત્રણ ટકા સુધીનો વધારો કરશે. મોંઘવારી અને કોમોડિટીની કિંમતોમાં થયેલા વધારાને કારણે ખર્ચમાં પણ વધારો થયો છે અને તેના કારણે આ એડજસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે. કંપની સતત પ્રયાસો કરી રહી છે કે તે વધેલા ખર્ચને શક્ય તેટલો સહન કરે પરંતુ કેટલાક વિભાગોમાં વધેલા ખર્ચાને ગ્રાહકો પર નાંખવામાં આવશે.
તેવી જ રીતે JSW MG મોટર્સ ઈન્ડિયાએ પણ જાન્યુઆરીથી તેની સમગ્ર મોડલ રેન્જ પર ત્રણ ટકા સુધીના ભાવ વધારાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે, ક્વોલિટી, ઈનોવેશન અને સસ્ટેનિબિલિટી કંપનીની સૌથી મોટી પ્રાથમિકતા છે. કંપનીએ તે પણ કહ્યું હતું કે ગ્રાહકોને તે શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઈનપુટ કોસ્ટમાં થયેલા વધારાના કારણે કંપનીને તેની કાર્સની કિંમતોમાં થોડો વધારો કરવો પડી રહ્યો છે. જ્યારે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ પણ જાન્યુઆરી 2025થી તેના વ્હિકલ્સની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં મર્સિડિઝ-બેન્ઝ, BMW અને ઔડી જેવી લક્ઝરી કાર બનાવતી કંપનીઓએ પણ ભાવ વધારાની જાહેરાત કરી દીધી છે. તેથી જાન્યુઆરી 2025 એટલે કે આવતા મહિનાથી ભારતમાં ગાડીઓની કિંમત વધી જશે.