બંટી-બબલીએ ચા-લચ્છી-સરબતમાં કેફી પદાર્થ ભેળવી ચાર વૃદ્ધાને લૂંટી લીધા
‘બેન અમે તમારા ઓળખીતા જ છીએ’ કહી પરિચય મેળવી ઠંડુ -ગરમ પીવડાવાની વાત કરી બેભાન કરી રોકડ અને દાગીના સેરવી લેતા
નાગરિક બેંક ચોક,મોચી બજાર,ગાંધીગ્રામ અને નવા 150 ફૂટ રિંગ રોડ પરની ઘટના : તાલુકા પોલીસે બંટી-બબલીને પકડી ગુનાનો ભેદ ઉકેલ્યો
રાજકોટમાં ચોર-ગઠિયાઓએ માજા મૂકી હોય તેમ દિન પ્રતિદિન ગુનાખોરીનો ગ્રાફ સતત ટોચ પર જઈ રહ્યો છે.ત્યારે શહેરમાં મકરસંક્રાંતિના દિવસે,તેના આગલા દિવસે તેમજ ડીસેમ્બર માસમાં અલગ-અલગ સ્થળો પર ચાર વૃધ્ધાઓને અજાણ્યા બંટી -બબલીએ પોતે તેઓના સંબંધી હોવાનું કહી પરિચય મેળવી ઘેની પદાર્થ ભેળવેલા ચા-સોડા-લચ્છી-સરબત પીવડાવી તેઓને અર્ધબેભાન કરી સોનાના ઘરેણા, રોકડ, મોબાઇલ ફોન પડાવી લીધા હતાં. આ મામલે તાલુકા પોલીસ,એ-ડિવીઝન પોલીસમાં બે અને ગાંધીગ્રામ પોલીસમાં એક ગુનો દાખલ થયો હતો. જે મામલે તાલુકા પોલીસે આ બંટી-બબલીને ઉઠાવી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
પ્રથમ બનાવની માહિતી મુજબ માધાપર ગામ આંબેડકર નગર શેરી નં. 01 માં રહેતાં નાથીબેન ડાયાભાઈ પરમાર (ઉ.વ.63) એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઘરકામ કરે છે અને તેના પતિ હયાત નથી છે.ગત તા.23/12/2024 ના વિધવા સહાય અંગેનું પેન્સન બંધ થઇ ગયું હોય જેથી તેઓ સવાર ના દસેક વાગ્યે માધાપરથી રીક્ષામાં બેસી જુની કલેકટર કચેરી પર આવેલ અને ત્યાં કામ પૂરું કરી ચાલતાં ચાલતાં મોચીબજારમાં આવેલ ચર્ચની સામે આવેલ કરિયાણાની દુકાન સામે પહોંચતા તેઓને ચકકર આવતા બેસી ગયા હતા.તે સમયે એક બંટી-બબલી તેમની પાસે આવ્યા હતા. અને તેઓ તેમના દીયરને ઓળખે છે એમ કહી વાતચીત કરવા લાગેલ અને તેઓ માટે નજીકની દુકાનમાં જઇ લચ્છી લઈ આવેલ અને લચ્છી આપતા તેઓએ લચ્છી પીધા બાદ અર્ધ બેભાન જેવા થઈ ગયા હતાં.તે દરમિયાન બંટી-બબલીએ બળજબરી કરી સોનાના ઘરેણા અને મોબાઈલ મળી કુલ રૂ.1.07 લાખ લૂંટી લીધા હતા.બીજા બનાવમાં મોચીબજાર તીલક પ્લોટ શેરી નં-01 માં રહેતાં જાનાબેન હરીભાઈ ખીમસુરીયા (ઉ.વ.65)એ એ-ડિવિઝન પોલીસ મથકમાં કરેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે,ગત તા.13 ના બપોરના દોઢેક વાગ્યાની આસપાસ તેઓ ઘરેથી જયુબેલી શાક માર્કેટમાં શાક બકાલુ લેવા માટે ગયેલ અને નાગરીક બેંક ચોક સામે રોડ ઉપર શાક બકાલુ ખરીદ કરતાં હતાં ત્યારે એક અજાણ્યા બહેન આવેલા અને કહેલ કે, તુ મારી દીકરી છે, તને મારે ઠંડુ પીવડાવવું છે, તેમ કહી લચ્છી તેમજ ગુલાબ સરબતમાં કંઇક પ્રવાહી ભેળવીને પીવડાવી દેતાં તેઓ અર્ધ-બેભાન થઈ ગયા હતાં.ત્યારબાદ તેમના સોનાના બુંટીયા, કાનની સોનાની બૂંટીઓ રોકડ રૂપિયા મળી કુલ રૂ.80500 નો મુદામાલ લૂંટી લીધો હતો.
ત્રીજા બનાવમાં મવડી-કણકોટ રોડ પર લાભુભાઈ પારેખ ટાઉનશીપમાં રહેતાં પુષ્પાબેન લાલજીભાઈ નકુમ (ઉ.વ.62) એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.14 ના તેઓ રામધણ આશ્રમ દર્શન કરવા માટે ઘરેથી સવારના અગિયારેક વાગ્યે ચાલીને જવા નિકળેલ અને રામધણ આશ્રમ દર્શન કરી તેઓને દવાખાને જવું હોય તેઓ હોસ્પિટલ જવા નીકળ્યા હતા.ત્યારે તેમને એક અજાણ્યા બહેન મળતા કહેલ કે,મારે પણ દવાખાને જવુ છે તો ચાલો હું તમને સરકારી દવાખાને લઈ જાવ, તે બહેન સાથે એક અજાણ્યો પુરુષ પણ હતો અને તે બહેન ચાની કેબીનેથી ચા લાવી પીવડાવેલ હતી.તેમજ રસ્તામાં મવડી કણકોટ રોડ ડ્રીમ સીટી ચોક નજીક અવાવારૂ જગ્યાએ રેતીના ઢગલા પાસે બેઠેલ હતા.ત્યારે આ બંટી-બબલીએ થોડીવાર નિંદર કરી લ્યો પરંતુ તેઓએ ના પાડતા ફડાકા માર્યા હતા.અને બેભાન થતાં જ સોનાની બુટી,નાકમાં પહેરેલ સોનાનો દાણો તથા પાકીટમાં પડેલ રોકડા રૂપિયાની લૂંટ કરી નાશી ગયા હતા.જોકે વૃદ્ધા બીજા દિવસે ભાનમાં આવતા પરિવારનો સંપર્ક કર્યો હતો.અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.જ્યારે આજ રીતે આ બંટી-બબલીએ ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં પણ વૃદ્ધાને બેભાન કરી લૂંટી લીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.હાલ આ મામલે તાલુકા પોલીસના પીઆઇ ડી.એમ.હરિપરા,પીએસઆઈ બી.આર.ભરવાડની ટીમ આ બંટી-બબલીને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી વધું લૂંટના ભેદ ખોલવા તજવીજ હાથ ધરી હતી.