આરક્ષણની આગમાં બાંગ્લાદેશ સળગી ઉઠ્યું : 150 મોત, 2500 ઘાયલ : દેશમાં કર્ફ્યુ
- તોફાનોને કાબુમાં લેવા માટે સેનાને સડક પર ઉતારાઈ
- આરક્ષણની આગમાં ભડકે બળતું બાંગ્લાદેશ 150 મોત, 2500 ઘાયલ: આખા દેશમાં કર્ફ્યુ
- હોસ્પિટલોમાં લાશોના ઢગલા: જેલ ઉપર હુમલો થતાં સેંકડો કેદી નાસી છૂટ્યા: ઠેર ઠેર આગજની,અરાજકતા
શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સરકારી નોકરીમાં અનામતના વિરોધમાં છેલ્લા ત્રણ અઠવાડિયા થી ચાલતા વિદ્યાર્થીઓ આંદોલનને હિંસક વળાંક લેતા બાંગ્લાદેશમાં સ્ફોટક પરિસ્થિતિ નિર્માણ પામી છે. તોફાનો બેકાબુ બનતં શુક્રવારની રાત્રે આખા બાંગ્લાદેશમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. તોફાનોને અંકુશમાં લેવા સેનાને રસ્તા પર ઉતારાઈ હતી આ તોફાનામા અત્યાર સુધીમાં 105 લોકો માર્યા ગયા છે અને 2500 થી વધુ ઘાયલ થયા છે. બાંગ્લાદેશના અનેક શહેરોમાં તોફાની ટોળાઓને અંકુશમાં લેવા માટે પોલીસ અને સુરક્ષા દળોને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. તોફાનીઓએ અનેક દુકાનો અને વાહનોને આગ ચાંપી દેતા તેમજ રસ્તાઓ બ્લોક કરી દેતા સમગ્ર બાંગ્લાદેશમાં અભૂતપૂર્વ અરજકતા અને અંધાધુંધી ફેલાઈ જવા પામી છે.
બાંગ્લાદેશના સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ ઢાકા સહિતના અનેક શહેરોની હોસ્પિટલોમાં લાશોના ઢગલા થયા હતા. વાસ્તવમાં, સરકારે જાહેર કરેલા 105 કરતા મૃત્યુ આંક વધારે હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. એ અગાઉ ગુરુવારે હિંસક બનેલા પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના સત્તાવાર બ્રોડકાસ્ટર btv ની ઓફિસ તેમ જ અનેક વાહનોને સળગાવી દીધા બાદ તોફાનો સમગ્ર બાંગ્લાદેશમાં પ્રસર્યા હતા.
એ દરમિયાન મધ્ય બાંગ્લાદેશના નરસિંગા જિલ્લામાં તોફાનીઓએ એક જેલ ઉપર હુમલો કરી આગ ચાપી દીધી હતી. એ દરમિયાન સેંકડો કેદીઓ નાસી છૂટ્યા હતા. તોફાનો બેકાબુ બન્યા બાદ બાંગ્લાદેશની સડકો પર સેના અને તેનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન શેખ હસીનાએ સરકાર વિદ્યાર્થીઓ સાથે વાત કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું પરંતુ વિદ્યાર્થી નેતાઓએ વાતચીત અને ગોળીબાર બંને એક સાથે શક્ય ન બને તેમ જણાવી એ દરખાસ્ત ફગાવી દીધી હતી.
ભારતના 405 વિદ્યાર્થી પરત ફર્યા
આ તોફાનો વચ્ચે ભારતના 405 વિદ્યાર્થી છેલ્લા બે દિવસ દરમિયાન પરત ફર્યા છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનાલ્ડ સંગમાના જણાવ્યા અનુસાર પરત ફરેલા વિદ્યાર્થીઓમાં મેઘાલયના 80 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તે બધાને બાંગ્લાદેશના ડોકી ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. બાંગ્લાદેશની ઈસ્ટર્ન મેડિકલ કોલેજમાં 36 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. નોંધનીય છે કે બાંગ્લાદેશમાં અંદાજે 15,000 ભારતીયો રહે છે અને તેમાં 8550 વિદ્યાર્થીઓ છે. એ બધા સલામત હોવાનું બાંગ્લાદેશની સરકારે આશ્વાસન આપ્યું હતું.
શું છે અનામતનો વિવાદ?
1971 માં બાંગ્લાદેશ આઝાદ થયું ત્યારથી 80% અનામતની જોગવાઈ લાગુ કરવામાં આવી હતી. તેમાં સ્વાતંત્ર સેનાની ના બાળકો માટે 30 ટકા, પછાત જિલ્લાઓ માટે 40% અને મહિલાઓ માટે 10% અનામતની જોગવાઈ હતી. સમયાંતરે એ જોગવાઈઓમાં ફેરફાર થયા બાદ સામાન્ય વિદ્યાર્થીઓ માટે 45% બેઠકો રહી હતી. 2018માં અનામતની એ જોગવાઈઓ સામે પણ વિરોધ થયા બાદ સરકારે અનામત પ્રથા રદ કરી હતી પરંતુ પાંચમી જૂને સુપ્રીમ કોર્ટે સરકારને ફરી એક વખત 2018 ના ધોરણે જ આરક્ષણ લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓએ એ આદેશ અને સરકારી નોકરીમાં 30 ટકાના આરક્ષણના વિરોધમાં આ આંદોલન શરૂ કર્યું હતું જે હવે સ્ફોટક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે.