પોરબંદરથી ૨૧૭ નોટીકલ માઈલ દૂર દરિયામાં જહાજ ઉપર થયેલા હુમલા અંગે અમેરિકાનો ચોંકાવનારો દાવો
- કોસ્ટગાર્ડના જહાજે પહોચી જઈને ખલાસીઓની મદદ કરી
- ડ્રોન ઈરાનમાંથી છોડવામાં આવ્યું હતું
20 ભારતીય ખલાસીઓ સાથેનું એક વ્યાપારી જહાજ ગઈ કાલે સવારે અરબી સમુદ્રમાં ગુજરાતના સમુદ્રકાંઠાની નજીક પોરબંદરથી ૨૧૭ નોટીકલ માઈલ દક્ષિણ પશ્ચિમમાં હતું ત્યારે એની પર કોઈક શંકાસ્પદ ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. એને કારણે ધડાકો થયો હતો અને જહાજમાં આગ લાગી હતી. જહાજ પર વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો. અમેરિકાના સંરક્ષણ વિભાગના મુખ્યાલય ‘પેન્ટેગોન’ તરફથી એક નિવેદનમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે તે કેમિકલ ટેન્કર જહાજ પર એક-તરફી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો અને તે ડ્રોન ઈરાનમાંથી છોડવામાં આવ્યું હતું.
‘એમ.વી. કેમ પ્લૂટો’ નામનું તે જહાજ એક જાપાનીઝ કંપનીની માલિકીનું હતું અને તેની પર લાઈબેરિયાનો ધ્વજ હતો. જહાજનું સંચાલન નેધરલેન્ડ્સમાંથી કરવામાં આવ્યું હતું. તે જહાજ સાઉદી અરેબિયામાંથી રવાના થયું હતું અને ભારતના ન્યૂ મેંગલોર તરફ જઈ રહ્યું હતું. તેમાં 20 ભારતીય ખલાસીઓ અને એક વિયેટનામીઝ ખલાસી, એમ કુલ 21 જણ હતા. સ્થાનિક સમય મુજબ સવારે 10 વાગ્યાની આસપાસ જહાજ પર ડ્રોન હુમલો કરાયો હતો. સદ્દભાગ્યે તેમાં કોઈ ખલાસીને ઈજા થઈ નથી.
જહાજ પર હુમલો થયાની ભારતીય કોસ્ટગાર્ડને જાણ થતાં તેના જવાનો જહાજ સાથે ‘કેમ પ્લૂટો’ના ખલાસીઓની મદદે પહોંચી ગયા હતા.
ભારતીય ધ્વજ સાથેના ઓઈલ ટેન્કર પર યમન નજીક ડ્રોન હુમલોઃ હુથી બળવાખોરો ત્રાટક્યા
ઈઝરાયલ-ગાઝા યુદ્ધના કારણે રાતા સમુદ્રમાં જહાજો પર એટેકની સંખ્યા વધી ગઈ
યમનનો દરિયો છેલ્લા કેટલાક સમયથી વધુને વધુ જોખમી બનતો જાય છે અને વેપારી જહાજો પર હુમલા વધી રહ્યા છે. આજે રાતા સમુદ્રમાંથી પસાર થઈ રહેલા એક ભારતીય ધ્વજવાળા ઓઈલ ટેન્કર પર યમનના હુથી બળવાખોરો ત્રાટક્યા હતા. આ જહાજ આફ્રિકન દેશ ગેબોનની માલિકીનું છે. આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ પરંતુ ભારતીય ધ્વજ સાથેના ઓઈલ ટેન્કરે મદદ માટે સિગ્નલ મોકલ્યા હતા જે આ એરિયામાં પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકન યુદ્ધજહાજને મળ્યા હતા.
હુથી બળવાખોરોએ M V Saibaba નામના ઓઈલ ટેન્કર પર ડ્રોનથી હુમલો કર્યો છે.દક્ષિણ રાતા સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકન યુદ્ધ જહાજને બે હુમલા વિશે જાણ કરવામાં આવી હતી. તેમાંથી એક જહાજ નોર્વેની માલિકીનું કેમિકલ ટેન્કર હતું જેનું નામ બ્લામાનેન હતું. આ જહાજ હુથી આતંકવાદીઓના ડ્રોન એટેકમાંથી સહેજમાં બચી ગયું હતું. ત્યાર બાદ એમ વી સાઈબાબા પર ડ્રોન એટેક થયો હતો અને સાઈબાબા સાથે ડ્રોન ટકરાયું હતું.
આ જહાજ ગેબોનની માલિકીનું પરંતુ ભારતીય ધ્વજ સાથેનું ઓઈલ ટેન્કર હતું. તેના પર એટેક થયો છે પરંતુ કોઈ ઈજા નથી થઈ. યમનના હુથી બળવાખોરો દ્વારા છોડવામાં આવેલા ચાર ડ્રોનને અમેરિકન ડિસ્ટ્રોયર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. યમનના હુથી બળવાખોરોને ઈરાન દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. હિંદ મહાસાગરમાં એમ વી કેમ પ્લુટો પર થયેલા હુમલા માટે પણ તેઓ જવાબદાર હતા તેમ અમેરિકાનું કહેવું છે. રાતા સમુદ્રમાં ઘણા વ્યાપારી જહાજો આ હુમલાખોરોનું નિશાન બન્યા છે. ઈઝરાયલ-ગાઝા યુદ્ધથી ઉશ્કેરાયેલા કેટલાક બળવાખોરો ઈઝરાયલ તરફી દેશોના જહાજોને નિશાન બનાવી રહ્યા છે. 17મી ઓક્ટોબર પછી કોમર્શિયલ શિપિંગ પર હુથી બળવાખોરો દ્વારા લગભગ 15 હુમલા થયા છે.