ઠંડી ગાયબ ! રાજ્યભરમાં પારો ઉચકાતા રાહત
રાજકોટ સહિત રાજ્યભરમાં શનિવારથી લઘુતમ તાપમાનનો પારો ઉપર ચડવાની સાથે પવનની ગતિ મંદ પડતા મહત્તમ તાપમાનનો પારો પણ ઉચકાતા ઠંડી ગાયબ થઈ ગઈ છે, રાજકોટમાં રવિવારે 15.4 ડીગ્રી અને કચ્છના નલિયામાં લઘુતમ તાપમાન 10.5 ડીગ્રી નોંધાયું હતું. નોંધનીય છે કે, તડકો તપતા રવિવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 32.9 ડીગ્રી નોંધાયું હતું.
રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વાતાવરણમાં કોઈ ફેરફાર થવાની શકયતા નકારી છે. રવિવારે રાજ્યમાં સૌથી નીચું લઘુતમ તાપમાન નલિયામાં 10.4 ડીગ્રી નોંધાયું હતું. ભુજ અને દાહોદમાં 13.2 ડીગ્રી, પોરબંદરમાં 13.4ડીગ્રી, અમરેલીમાં 15 ડીગ્રી, દિવ અને જામનગરમાં 15.2 ડીગ્રી, રાજકોટ અને ડીસામાં 15.4 ડીગ્રી, કંડલામા 15.5 ડીગ્રી, ભાવનગરમાં 16.4 ડીગ્રી, અમદાવાદમાં 17.5 ડીગ્રી અને સુરતમાં 18.8 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.