હવે ઓનલાઇન ગેમ પર 28% ટેક્સ લાગશે, લોકસભામાં જીએસટી સુધારા ખરડા પાસ
જીએસટી કાઉન્સિલ અને કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા જેની ભલામણ કરવામાં આવી હતી તે હવે નિશ્ચિત બની ગયું છે અને ઓનલાઈન ગેમ પર 28% ટેક્સ લાગવાનું ફાઇનલ થઈ ગયું છે. આજે લોકસભાના છેલ્લા દિવસે ઓનલાઈન ગેમ પર 28 ટકા ટેક્સને લગતા 2 બિલો પસાર થઈ ગયા છે.
ગેમને લગતા GSTમાં જરૂરી 2 સુધારા પર લોકસભાની મહોર લાગી ગઈ છે. લોકસભામાં આ બંને વિધેયક ‘સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારા) બિલ, 2023’ અને ‘ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારા) બિલ, 2023’ પસાર થઈ ગયા છે. આ બિલ પસાર થવાથી ગેમિંગ, કસીનો અને હોર્સ રેસિંગ ક્લબો પર 28 ટકા ટેક્સ લાદી જીએસટી વસુલવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
અગાઉ કેન્દ્રીય મંત્રીમંડળે ગત સપ્તાહે જ ઓનલાઈન ગેમિંગ, કસીનો અને હોર્સ રેસિંગ ક્લબોમાં દાવ પર લગાવાતી સંપૂર્ણ રકમ પર 28 ટકા ટેક્સ લગાવવા માટે GST કાયદામાં પ્રસ્તાવિત ફેરફારોમાં સંશોધનને મંજુરી આપી દીધી હતી. જ્યારે તે અગાઉના સપ્તાહે મંત્રીમંડળે સીજીએસટી અને આઈજીએસટીના કાયદામાં સુધારાને મંજુરી આપી હતી.
કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા સીજીએસટી અને આઈજીએસટી કાયદામાં સુધારાને મંજુરી મળ્યા બાદ બંને બિલને સંસદમાં રજુ કરાયા હતા. ઉલ્લેખનિય છે કે, બીજી ઓગસ્ટે જીએસટી મંત્રીમંડળની 51મી બેઠક યોજાઈ હતી, જેમાં કસીનો, હોર્સ રેસિંગ અને ઓનલાઈન ગેમિંગ મામલે ટેક્સેશન પર સ્પષ્ટતા કરવા સીજીએસટી કાયદો-2017ની અનુસૂચિ 3માં સુધારાની ભલામણ કરાઈ હતી.