ચેટજીપીટી નવા ડેટા પરથી પણ જવાબો આપી શકે છે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટજીપીટીએ જબરો વાવંટોળ સર્જયા પછી હવે તેમાં એક બહુ મોટો ફેરફાર આવ્યો છે. અત્યાર સુધી ચેટજીપીપી પ્લેટફોર્મ તેને મળેલા નિશ્ચિત ડેટાને આધારે જ આપણા સવાલોના જવાબ આપતું હતું. હવે ચેટજીપીટીની સિસ્ટમ કરન્ટ સોર્સમાંથી ડેટા મેળવવા માટે વિવિધ વેબસાઇટ્સને રિઅલ ટાઇમમાં ફંફોસી શકશે! આ કારણે આપણે ચેટજીપીટીને કંઈ પૂછીએ અને તે જવાબ આપે ત્યારે પોતાના જવાબમાં કઈ વેબસાઇટ પરથી માહિતી મેળવવામાં આવી છે તે પણ દર્શાવશે. જોકે હાલમાં આ સુવિધા માત્ર ચેટજીપીટીના પેઇડ સબસ્ક્રાઇબરને મળી રહી છે. કંપની કહે છે કે થોડા સમયમાં તમામ યૂઝરને આ લાભ મળવા લાગશે.
જોકે આ બાબતે ચેટજીપીટી અન્ય કંપની કરતાં પાછળ છે. માઇક્રોસોફ્ટ બિંગ ચેટમાં, ગૂગલ બાર્ડમાં તથા ગૂગલ સર્ચમાં સમગ્ર વેબ પરથી લેટેસ્ટ ઇન્ફરમેશન તારવીને જવાબ આપવામાં આવે છે.