દેશમાં 2029 સુધી 5G મોબાઈલ ગ્રાહકોની સંખ્યા વધીને 86 કરોડ થઈ જશે
ડેટા વપરાશના મામલામાં ભારત દુનિયામાં સૌથી આગળ : ઈન્ટરનેટ કનેક્શન માર્ચ-2023 સુધી 91 કરોડ થયા હતા : જો કે ચુંટણી બાદ ટેરિફમાં વધારો નિશ્ચિત મનાય છે
દેશમાં 5G મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 2023માં 130 મિલિયન હતી. , જેની સંખ્યા 2029 સુધીમાં વધીને 860 મિલિયન એટલે કે 86 કરોડ થઈ શકે છે. દેશના ટેલિકોમ માર્કેટને લઈને એક રિપોર્ટ જાહેર થઈ છે જેમાં આ વાતો કહેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, લોકસભાની ચૂંટણી પછી ટેલિકોમ ઓપરેટરો દ્વારા ટેરિફમાં 25 ટકાનો વધારો કરવામાં આવી શકે છે, જેના કારણે નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક 208 રૂપિયાથી વધીને 286 રૂપિયા થઈ શકે છે. પ્રભુદાસ લીલાધર કંપનીના અહેવાલમાં આ માહિતી અપાઈ છે.
100માંથી માત્ર 82.2 વાયરલેસ ગ્રાહકો
રિપોર્ટ મુજબ , ભારત વિશ્વના ટોચના પાંચ ટેલિકોમ માર્કેટમાં સામેલ છે, જેનો ગ્રાહક આધાર વાર્ષિક 2.9 ટકાના દરે વધી રહ્યો છે. જો કે, પ્રતિ 100 લોકો પર મોબાઈલ ગ્રાહકોની સંખ્યાના સંદર્ભમાં ભારત ટોચના પાંચ દેશોમાં સૌથી નીચું સ્થાન ધરાવે છે. ભારતમાં વાયરલેસ ગ્રાહકોની સંખ્યા દર 100 લોકોમાંથી માત્ર 82.2 છે, જ્યારે દર 100 વ્યક્તિ દીઠ મોબાઈલ ગ્રાહકોની સંખ્યા ચીનમાં 125, રશિયામાં 169, અમેરિકામાં 110, ઈન્ડોનેશિયામાં 115 છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતના ટેલિકોમ માર્કેટમાં હજુ પણ ખીલવાની સંપૂર્ણ ક્ષમતા છે.
ડેટા વપરાશમાં ભારત ટોચ પર છે
ડેટા વપરાશના મામલે ભારત વિશ્વમાં ટોચ પર છે. સરેરાશ, લોકો સ્માર્ટફોન પર પાંચ કલાક માટે ડેટા વાપરે છે. વાયરલાઇન અને વાયરલેસને જોડીને, ભારતમાં ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા 1.084 અબજ સુધી પહોંચી ગઈ છે.
દેશમાં ઈન્ટરનેટ કનેક્શન માર્ચ 2014માં 25.15 કરોડથી વધીને માર્ચ 2023માં 91 કરોડ થઈ ગયા છે. 5G નેટવર્ક સેવા તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ કરવામાં આવી છે.
ચૂંટણી પછી ટેરિફમાં વધારો નિશ્ચિત છે
લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ટેલિકોમ ટેરિફમાં 25 ટકાનો વધારો થઈ શકે છે. અગાઉ નવેમ્બર 2021માં તમામ ટેલિકોમ ઓપરેટરોએ મોબાઈલ ટેરિફમાં વધારો કર્યો હતો.