એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન ૧૪ લોન્ચ, જાણો લેટેસ્ટ વર્ઝનનાં ફીચર્સ
છેવટે એન્ડ્રોઇડનું લેટેસ્ટ ૧૪ વર્ઝન લોન્ચ થઈ ગયું છે. આપણા સુધી તેનો લાભ પહોંચતાં વાર લાગશે, તેમ છતાં આ લેટેસ્ટ વર્ઝનનાં કેટલાંક ફીચર્સ પર એક નજર ફેરવી લઇએ.
એન્ડ્રોઇડ ૧૪માં પ્રાઇવસી, સિક્યોરિટી અને પર્ફોર્મન્સ વધારવા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. તેની સાથોસાથ આ વર્ઝનમાં એન્ડ્રોઇડ ટેબલેટ કે ફોલ્ડિંગ સ્માર્ટફોનમાં પણ બહેતર યૂઝર એક્સપિરિયન્સ મળે તેના પર ફોકસ કરવામાં આવ્યું છે.
એન્ડ્રોઇડ ફોનમાં આપણે ઘણી રીતે હોમસ્ક્રીન કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. હવે એન્ડ્રોઇડ ૧૪માં લોક સ્ક્રીનના કસ્ટમાઇઝેશનના પણ વિકલ્પો મળશે.
નવા વર્ઝનમાં ડેટાની સિક્યોરિટી માટે જૂની અને જોખમી એપ્સ ઇન્સ્ટોલ જ ન થઈ શકે એવું ફીચર પણ છે. સિક્યોરિટીનું બીજું ફીચર પિન સંબંધિત છે. ઘણી વાર આપણે સ્ક્રીન પર પોતાનો પિન એન્ટર કરીએ એ બાજુમાં ઊભેલી વ્યક્તિ જોઈ શકતી હોય છે. નવા વર્ઝનમાં આવી જાસૂસી મુશ્કેલી બનશે.
નવા વર્ઝનમાં ફોનની બેટરીની એફિશિયન્સી વધારવાના પણ ખાસ પ્રયાસ કરવામાં આવ્યા છે. નવું વર્ઝન વડીલોને કદાચ વધુ ગમે તેવી શક્યતા છે કેમ કે તેમાં ફોન્ટને રેગ્યુલર કરતાં ૨૦૦ ટકા મોટા કરી શકાશે! પરંતુ એ સમયે હેડલાઇન જેવા પહેલેથી મોટા ફોન્ટ વધુ પડતા મોટા ન થઈ જાય તેની પણ કાળજી લેવામાં આવશે. અત્યારે તમારો અનુભવ હશે કે આપણે કોઈ એપ ઇન્સ્ટોલ કરીએ અને તે ફોટો અને મીડિયાની એક્સેસ માગે તો તેને પૂરેપૂરી એક્સેસ આપ્યા સિવાય કોઈ છૂટકો નથી. પરંતુ નવા વર્ઝનમાં આવી પરમિશન માગતી એપને માત્ર અમુક પસંદગીના ચોક્કસ ફોટો કે વીડિયોની એક્સેસ આપી શકાશે.