કોંગ્રેસની ઓફિસ તોડી, હવે ગુજરાતમાં અમે સરકાર તોડશું; રાહુલની ચેલેન્જ
- કોંગ્રેસના નેતાએ અમદાવાદમાં કોંગી કાર્યકરોને કર્યું સંબોધન: રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોને મળ્યા; લોકસભામાં મુદ્દો ઉઠાવવાની ખાતરી; વડાપ્રધાન પર પ્રહાર કર્યા
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે ગુજરાતની મુલાકાત લીધી હતી અને અમદાવાદ ખાતે કોંગ્રેસ ભવનમાં કાર્યકરો અને આગેવાનોને સંબોધન કર્યું હતું. રાહુલે રાજકોટના અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે પણ વાતચીત કરી હતી અને એવું આશ્વાસન આપ્યું હતું કે કોંગ્રેસ તમારી સાથે છે. આ મુદ્દો લોકસભામાં ઉઠાવવાની પણ એમણે ખાતરી આપી હતી.
પોતાના સંબોધનમાં રાહુલે આક્રમક બનીને એવી જાહેરાત કરી હતી કે જે રીતે અમદાવાદમાં કોંગ્રેસની ઓફિસને તોડવામાં આવી છે એ જ રીતે અમે ગુજરાતની સરકારને તોડશું. જો કે તેના માટે કાર્યકરોએ ગુજરાતની જનતાને એક મેસેજ આપવાનો છે કે તમે કોઇથી ડરો નહીં. ડર્યા વગર લડશો તો ભાજપ તમારી સામે ટકશે જ નહીં.
ગુજરાતમાં ભાજપને હરાવવાનો રાહુલ ગાંધીએ લલકાર કરતાં કહ્યું, નફરત નહીં પ્રેમથી ભાજપને હરાવવાનું છે. અયોધ્યાની જેમ ગુજરાતમાં ભાજપ હારશે. કૉંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સમગ્ર એઆઈસીસી છે. ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવા રાહુલે આહ્વાન કરતાં કહ્યું, ગુજરાતના લાખો લોકોનો મત જાણી નિર્ણય કરાશે અને મેનિફેસ્ટો બનશે.
નવી કોંગ્રેસ બનશે
એમણે કહ્યું, આઝાદીની લડાઈ ગુજરાતથી શરૂ થઈ હતી. કૉંગ્રેસની ઓફિસ તોડી તેમ અમે તેમની સરકાર તોડીશું. ભાજપે કૉંગ્રેસની ઓફિસ તોડી,કૉંગ્રેસ ભાજપની સરકાર તોડશે. 2022ની જેમ નહીં, 2017ની જેમ ચૂંટણી લડીશું. 2017માં કૉંગ્રેસ દમખમ સાથે ચૂંટણી લડી હતી, આગામી ત્રણ વર્ષમાં કૉંગ્રેસ ભાજપને હરાવશે.
પંજાના ચિહ્નમાં તમામ ધર્મોમાં સ્થાન
એમણે વધુમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવા નહોતા માગતા. મોદી અયોધ્યાથી ચૂંટણી લડવા માગતા હતા. નરેન્દ્ર મોદીની અયોધ્યામાં હાર નિશ્ચિત હતી, વારાણસીમાં મોદીની જીત પાતળી સરસાઈથી થઈ. પંજાના ચિહ્નમાં તમામ ધર્મોને સ્થાન છે. ડરશો નહીં, ડરાવશો નહીં.