- એક વર્ષમાં માત્ર 20 ટકા સસ્તા અનાજની દુકાનો ચેક થઈ હોવાનો જિલ્લા પુરવઠા અધિકારીના પત્રમાં જ એકરાર
રાજકોટ : રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીની ઢીલી નીતિને કારણે પુરવઠા ઈન્સ્પેકટરો અને ઝોનલ અધિકારીઓ સરકારના નક્કી કરેલા નિયમ મુજબ સસ્તા અનાજની દુકાનોમાં ચેકીંગ કરવા જવાને બદલે આરામ કરી વહીવટ કરતા હોવાથી સસ્તા અનાજના કાળાબજારિયા વેપારીઓને ચાંદી-ચાંદી થઇ પડી છે. જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, પુરવઠા તંત્રની આળસુ નીતિના પાપે ગાંધીનગરની ટીમો ગેરરીતિ પકડીને પરત જતી રહેતી હોવા છતાં પુરવઠા અધિકારી દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણ સુધા કરવામાં ન આવતી હોવાની હકીકત વચ્ચે પુરવઠા તંત્રએ તમામ ઝોનલ અને પુરવઠા ઇન્સ્પેકટરોને વર્ષ દરમિયાન માત્ર 20 ટકા જ દુકાનો ચેક કરી હોવાનું જણાવી તપાસણી કરવા આદેશ કર્યો છે.
રાજ્ય સરકારના નિયમો મુજબ જિલ્લા પુરવઠા અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર, ઝોનલ અધિકારી અને પુરવઠા ઇન્સ્પેકટરોને દર મહિને પેટ્રોલપંપ, ગેસ એજન્સીઓ, પુરવઠા નિગમના ગોડાઉન તેમજ સસ્તા અનાજની દુકાનોની ચકાસણી કરવાની હોય છે જેમાં પુરવઠા ઈન્સ્પેકટરો તેમજ ઝોનલ અધિકારીઓએ દર મહિને ફરજીયાત 18 દુકાનોની તપાસ કરી રિપોર્ટ કરવાનો હોય છે પરંતુ રાજકોટના મોટાભાગના ઝોનલ, મામલતદાર અને પુરવઠા નિરીક્ષકો દ્વારા આવી કામગીરી કરવામાં આવતી નથી. આશ્ચર્ય તો એ વાતનું છે કે, ફિલ્ડ વર્કના નામે પુરવઠા ઈન્સ્પેકટરો પુરવઠા બ્રાન્ચમાં દેખાતા જ નથી સાથે જ દુકાનોની તપાસમાં પણ જતા નથી તો આ મહાશયો ક્યાં ગાયબ થાય છે તે પણ તપાસ માંગી લેતી બાબત છે.
બીજી તરફ રાજકોટના જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પેટ્રોલપંપ, ગેસ એજન્સીઓ, પુરવઠા નિગમના ગોડાઉન તેમજ સસ્તા અનાજની દુકાનોની ચકાસણી મામલે તમામ મામલતદાર, ઝોનલ અને પુરવઠા નિરીક્ષકોને પત્ર પાઠવી જિલ્લામાં આવેલ કુલ 710 સસ્તા અનાજની દુકાનોમાં નિયમ મુજબ 2920 દુકાનની તપાસણી વર્ષ 2023-24માં કરવાની થતી હોવા છતાં માત્ર 20 ટકા જેટલી જ કામગીરી કરી ફક્ત 592 દુકાનોમાં જ તપાસ કરવામાં આવતા આ ગંભીર બાબતે તમામને નિયમ મુજબ તપાસ કરવા આદેશ આપ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં ક્યાં તાલુકામા કેટલી દુકાન
- ગોંડલ – 86
- ઉપલેટા – 55
- લોધીકા -24
- વિછિયા – 39
- જેતપુર – 75
- ઝોન-1 – 47
- ઝોન-2 – 44
- ઝોન-3 – 43
- ઝોન-4 – 51
- ધોરાજી – 51
- પડધરી – 31
- રાજકોટ – 49
- જસદણ – 58
- કોટડા સાંગાણી – 28
- જામકંડોરણા – 29
