વાહ, અદ્ભુત, કાબિલેદાદ: આતશબાજીથી રંગાયું આકાશ, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો
દર વર્ષની માફક આ વર્ષે પણ મહાપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત બુધવારે રેસકોર્સ ક્રિકેટ સ્ટેડિયમ પર ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. સાંજે ૭ વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં એક કલાક સુધી અવનવા ફટાકડા ફૂટ્યા હતા જેમાં એક એકથી ચડિયાતી આતશબાજીથી રાજકોટનું આકાશ રંગીન બની ગયું હતું.
બીજી બાજુ હજારોની સંખ્યામાં લોકો આતશબાજી નિહાળવા પહોંચી જતાં એક સમયે ગેઈટ બંધ કરવો પડ્યો હતો. જો કે હોબાળો મચી જતાં આખરે તંત્રએ તમામ ગેઈટ ખોલી નાખતાં સૌએ અંદર પ્રવેશ મેળવી લીધો હતો. આ વર્ષે મહાપાલિકાએ પૂરી એક કલાક સુધી અવિરતપણે ફટાકડા ફૂટે તેવી શરત રાખી હોવાથી આતશબાજી નિહાળવા આવેલા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. ખાસ કરીને બાળકોને તો અવનવા ફટાકડા ફૂટતાં જોઈને મજા પડી ગઈ હતી.