ગિફ્ટ સિટી મેટ્રો ટ્રેકનું કામ ટૂંક સમયમાં શરુ થશે : કેન્દ્ર આપશે મંજુરી, પ્રોજેક્ટની દરખાસ્ત અંગે દિલ્હીમાં થઇ ચર્ચા
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (GIFT)સિટી કોરિડોરમાં મેટ્રો ટ્રેક પર કામ શરૂ કરી શકાય તે માટે કેન્દ્ર સરકાર ગુજરાત સરકારના પ્રસ્તાવને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે.
શનિવારે નવી દિલ્હીમાં DPIIT ના સંયુક્ત સચિવ ઇ. શ્રીનિવાસની અધ્યક્ષતામાં યોજાયેલી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) ના નેટવર્ક પ્લાનિંગ ગ્રુપની 88મી બેઠકમાં અન્ય મુદ્દાઓની સાથે, 7.5 કિમી લાંબા ગિફ્ટ સિટી મેટ્રો ટ્રેકનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટરપ્લાનને અનુરૂપ, મલ્ટિમોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો.
આ બેઠકમાં ગુજરાતમાં ગિફ્ટ સિટીના મેટ્રો રેલ અને વન-વે અપગ્રેડેશનની ચર્ચા કરવામાં આવી હતી. ૭.૫૮૫ કિમી લાંબો ગિફ્ટ સિટી મેટ્રો કોરિડોર બે તબક્કામાં અમલમાં મૂકવામાં આવશે અને તેનાથી ઇંધણનો વપરાશ, વાહન ઉત્સર્જન અને અકસ્માતોમાં ઘટાડો થવાની અપેક્ષા છે.
ગયા સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે તેનું ઉદ્ઘાટન કર્યું ત્યારે મેટ્રો રેલ નેટવર્કનો બીજો તબક્કો ગાંધીનગર સાથે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા જોડવામાં આવ્યો હતો. આ ૨૧ કિમીનો તબક્કો GNLU, PDEU, GIFT સિટી, રાયસન, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી અને સેક્ટર ૧ ને આવરી લે છે.
GMRCના MD એસ.એસ. રાઠોડે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં, આ મેટ્રો રેલ નવા સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર ૨૧, સેક્ટર ૧૬, સેક્ટર ૨૪ અને મહાત્મા મંદિર સુધી જશે.બીજા તબક્કાનો કુલ ખર્ચ ૫,૩૮૪ કરોડ રૂપિયા થવાની ધારણા છે, જેના માટે ભંડોળ AFD અને KFW જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ તરફથી આવ્યું છે. આ કોરિડોરમાં કુલ આઠ સ્ટેશન છે.રાજ્ય સરકારે કેન્દ્રને આપેલા પ્રસ્તાવમાં, જેમાં વિસ્તરણનો ખર્ચ રૂ. 2,000 કરોડ હોવાનો અંદાજ છે, તે જણાવે છે કે હાલમાં GIFT સિટીમાં લગભગ 28,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
હાલનું મેટ્રો સ્ટેશન સમગ્ર GIFT સિટીને આવરી લેતું નથી, તેથી ઘણા મુસાફરોને તેમના વ્યવસાયિક સંકુલો સુધી પહોંચવા માટે અન્ય પરિવહન ઉકેલોનો ઉપયોગ કરવો પડે છે.900 એકરના GIFT સિટી કોરિડોરમાં એલિવેટેડ સર્ક્યુલર લૂપ સુવિધા બનાવવાનો ખર્ચ રૂ. 2,000 કરોડ હોવાનો અંદાજ છે, પરંતુ DPR મંજૂર થયા પછી મેટ્રો સ્ટેશનોની ચોક્કસ કિંમત અને સંખ્યા નક્કી કરવામાં આવશે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના આ બે તબક્કાના પ્રોજેક્ટમાં કુલ 54 સ્ટેશનોમાંથી 39 પહેલાથી જ શરુ થઇ ગયા છે. આમાંથી ચાર સ્ટેશન ભૂગર્ભમાં છે, અને ગાંધીનગરમાં સાત સ્ટેશન હજુ પૂર્ણ થયા નથી. લાઇનની લંબાઈ 68 કિમી નક્કી કરવામાં આવી છે.