ભાજપ રાજમાં મહિલાઓ અસુરક્ષિત : કોંગ્રેસ
મહિલા અનામત સત્વરે અમલી બનાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું
રાજકોટ : રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મહિલા અનામત સત્વરે અમલી બનાવવાની માંગ ઉઠાવી ભાજપ રાજમાં દેશમાં મહિલાઓ અસુરક્ષિત હોય અત્યાચાર અને બળાત્કાર અને શોષણનાં ગુનાઓ સામે ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવે અને કોર્ટ દ્વારા ઝડપથી આવા કેસોનો નિર્ણય થાય અને ગુનેગારોને સજા આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.
રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકીની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી રજુઆત કરતા જણાવાયું હતું કે, દેશમાં 33 ટકા મહિલા અનામત બિલ (શક્તિ વંદનબીલ) સાંસદમાં પાસ થઈ ગયેલું છે. છતાં પણ તેનો અમલ કરવામાં આવતો નથી, સંસદનાં બન્ને ગૃહમાં મોદી સરકાર પાસે પુરતુ સંખ્યા બળ અને વિરોધ પક્ષોનું સમર્થન હોવા છતાં, ભારતીય જનતા પાર્ટી આ બીલને લાગુ કરતી નથી, જે ભાજપા-આર.એસ.એસની મહિલા વિરોધ માનસિકતાને ઉજાગર કરે છે.
વધુમાં રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો અને વાયદા કરવામાં આવે છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બાબતે કોઇ જ પગલા લેવાતા નથી, મહિલા સુરક્ષા, અત્યાચાર, બળાત્કાર અનેક ક્ષેત્રોમાં થતા મહિલાઓનાં શોષણ સામે સરકાર દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવતી નથી, ભાજપા આ બાબતે બીલકુલ નિષ્ફળ રહી છે, જેથી મહિલાઓને સુરક્ષા, અને મહિલાઓ ઉપર થતાં અત્યાચાર અને બળાત્કાર અને શોષણનાં ગુનાઓ સામે ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવે અને કોર્ટ દ્વારા ઝડપથી આવા કેસોનો નિર્ણય થાય અને ગુનેગારોને સજા આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.