- રાજકોટ જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં તોતિંગ ફી વધારો કરવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે લાગુ કરેલ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ્દ કરવા અંગે રજૂઆત કરી હતી.
આમ આદમી પાર્ટીના અધ્યક્ષ દિનેશભાઈ જોશીએ લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી એટલે કે જીએમઈઆરએસ દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી – સેલ્ફફાયનાન્સ-મેનેજમેન્ટ ક્વોટા માટે વાર્ષિક ફી-ધોરણમાં લગભગ 67%થી માંડીને 88% જેટલો અસહાય અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં જનરલ ક્વોટા માટે વાર્ષિક ફી રૂપિયા 5.50 લાખ અને મેનેજમેન્ટ ક્વોટા માટે ફી 17 લાખ જાહેર કરવામાં આવેલ છે.આ વાર્ષિક ફી ગત વર્ષેમાં જોઈએ તો જનરલ ક્વોટામાં 3.30 લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં 9 લાખ લેવામાં આવતી હતી જે આ વર્ષથી લાગુ કરેલ ફી કરતા અનેકગણી ઓછી હતી. નવી લાગુ કરેલ ફી વધારાથી જનરલ ક્વોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની એમબીબીએસની લાયકાત ગત વર્ષે રૂ 14.85 લાખ થી મેળવતો હતો તે આ વર્ષેથી વધીને રૂ. 24.75 લાખ ચૂકવશે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી રૂ. 40.50 લાખથી શિક્ષણ મેળવતો હતો તે આ વર્ષથી વધીને રૂ 76.50 લાખ ચૂકવશે. ફી વધારાના કારણે ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી દૂર રહશે. જેથી આમ આદમી પાર્ટી દ્વારા આ તોતિંગ ફી વધારો તાત્કાલિક પરત ખેંચવા માંગ કરી હતી