શિયાળાની ધીમે-ધીમે જમાવટ : 14 ડિગ્રી સાથે સૌરાષ્ટ્રમાં રાજકોટ સૌથી ઠંડુ શહેર
- ગાંધીનગરમાં 11.6 ડિગ્રી, કચ્છના નલિયામાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજકોટ : શિયાળો ધીમે-ધીમે જમાવટ કરી રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં ગાંધીનગર 11.6 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું હતું અને કચ્છના નલિયા 12.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું તો રાજકોટ 14 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે સમગ્ર સૌરાષ્ટ્રનું ઠંડુ શહેર રહ્યું હતું.
કારતક મહિનો અડધો પૂરો થવામાં છે ત્યારે રાજ્યભરમાં ઠંડીએ જોર પકડતા શિયાળાએ જમાવટ કરી છે. છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડાની સાથે લઘુતમ તાપમાનમાં પણ ઝડપભેર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. શનિવારે ગાંધીનગરે ઠંડીમા નલિયાની સાઈડ કાપી 11.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયા 12.2 ડિગ્રી, કંડલા એરપોર્ટ ઉપર 12.7 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. સૌરાષ્ટ્રમાં રાજકોટ 14 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું, એ જ રીતે ડીસામાં 14.1, પોરબંદરમાં 14.5, અમરેલીમાં 14.6, અમદાવાદ અને ગાંધીનગરમાં 15.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જો કે, રાજકોટમાં શુક્રવારની તુલનાએ મહત્તમ તાપમાનમાં એક ડિગ્રી જેટલા વધારા સાથે 33.6 ડિગ્રી રહ્યું હતું.