રાજકોટના લોકમેળામાં ચકડોળ ચાલશે કે નહીં? સરકારે કલેકટર-કમિશનરને SOPમાં છૂટછાટ માટેની આપી સત્તા
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27-27 લોકોના મૃત્યુ બાદ રાજ્યભરમાં ગેમિંગ ઝોન બંધ કરાવી રાજ્ય સરકારે ગેમઝોન અને મેળાઓ માટે અમલી બનાવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જ સ્ટાન્ડર્ડ ન હોવાનું ફલિત થઈ રહ્યું છે. રાજ્યમાં અમલી બનેલી એસઓપી સામે ઉધામે ચડેલા રાઈડ્સ સંચાલકોએ સત્તાધારી પક્ષ મારફતે લોકમેળામાં રાઈડ્સ માટે ફાઉન્ડેશન જરૂરી ન હોવાના અને અન્ય સર્ટિફિકેટ તેમજ રાઈડર્સના બિલ સહિતની બાબતો અંગે સરકાર સમક્ષ રજુઆત કરતા રાજ્યના ગૃહ વિભાગે તમામ જિલ્લા કલેકટર અને કમિશનરને એસઓપીમાં છૂટછાટ માટેની સતા આપી છે.

જન્માષ્ટમી લોકમેળામાં ફજેત ફાળકા અંગે કિંમશનર -કલેકટર છૂટ આપે છે કે કેમ?
જો, ગેમિંગ ઝોન અને ટેમ્પરરી મેળા માટે રાજ્યમાં અમલી બનેલી એસઓપીમાં સરકારે છૂટછાટ આપવાને બદલે સ્થાનિક લેવલે આવી છૂટછાટ આપવા કલેકટર અને કમિશનરને જવાબદારી સોંપી દેતા હવે આગામી જન્માષ્ટમી લોકમેળામાં ફજેત ફાળકા અંગે કિંમશનર -કલેકટર છૂટ આપે છે કે કેમ તે દિશામાં મીટ મંડાઈ છે. લોકમેળામાં રાઈડ્સ અંગેની એસઓપીને લઈ રાજ્યના ગૃહવિભાગના ઉપસચિવ શ્રધ્ધા પરમારે શુક્રવારે એક પરિપત્ર જાહેર કર્યો છે.
એમ્યુઝમેન્ટ રાઈડ્સ-ગેમીંગ ઝોન એક્ટિવિટીઝ સેફ્ટી રૂલ્સમાં સુધારાઓ કરવા સૂચન
જેમાં જણાવ્યું છે કે,મેળા ઓર્ગેનાઇઝર વેલ્ફેર એસોસીએશન, અમદાવાદ તથા અન્ય આનંદ મેળાઓ (ટેમ્પરરી મેળાઓ) ના આયોજકો દ્વારા આનંદ મેળા અંગેનું લાયસન્સ મેળવવા પડતી અગવડો બાબતે કરેલી રજુઆત ધ્યાને રાખી આનંદ મેળાના આયોજકોના પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહ વિભાગ ખાતે તા.16-07-2025ના રોજ એક બેઠકનું આયોજન કર્યું હતું જેમાં એમ્યુઝમેન્ટ રાઈડ્સ અને ગેમીંગ ઝોન એક્ટિવિટીઝ સેફ્ટી રૂલ્સ, 2024 ના દાયરામાં રહી, આનંદ મેળા સાથે લોકોની જોડાયેલી સાંસ્કૃતિક ભાવનાઓ, સામાજિક આસ્થાઓ, પરંપરાઓ તથા લાગણીઓને ધ્યાને રાખી, આનંદ મેળાના આયોજકોને સમયમર્યાદામાં લાયસન્સ મળી રહે તે માટે ચર્ચા કરી એમ્યુઝમેન્ટ રાઈડ્સ અને ગેમીંગ ઝોન એક્ટિવિટીઝ સેફ્ટી રૂલ્સ, 2024 માં સુધારાઓ કરવા માટે સૂચન આપવામાં આવે છે.
આ પણ વાંચો : નૌકાદળમાં શામેલ થયું પહેલું સ્વદેશી ‘INS નિસ્તાર’ : અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા જહાજની તાકાત જાણીને દુશ્મનો થરથર ધ્રુજશે
જેમાં સુધારા વધારા અન્વયે અરજદારને લાયસન્સની અરજી કર્યાના દિન-60ની સમયમર્યાદામાં લાયસન્સ આપવા અથવા કારણો સહિત નકારવાનું રહે છે.ચોક્કસ સમયગાળા દરમિયાન આનંદ મેળાઓનું આયોજન થઈ શકે અને મેળાના આયોજકો પણ મેળા/રાઇડ્સ માટે જરૂરી માળખું ઉભું કરી શકે તે માટે, આનંદ મેળાઓના કિસ્સામાં લાયસન્સ આપવાની સમયમર્યાદાને દિન-30 કરવામાં જણાવાયું છે. વધુમાં સિટી/ડિસ્ટ્રિક્ટ રાઈડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીમાં નિમણૂક થયેલા ઈજનેરોને એમ્યુઝમેન્ટ રાઈડ્સ, ગેમીંગ ઝોન, આનંદ મેળાઓના ઈન્સ્પેક્શન માટે એકથી વધુ જિલ્લા-શહેરોની જવાબદારી આપવામાં આવેલ હોય જે તે જિલ્લા-શહેર ખાતે ઉપલબ્ધ સ્થાનિક સરકારી ઈજનેરોની નિમણૂક કરવા સૂચન કરવામાં આવ્યું હતું. સાથે જ ટેમ્પરરી મેળાના આયોજકોએ જે તે રાઇડ્સ માટે જરૂર જણાયે ચાર્ટર્ડબ ઈજનેર દ્વારા સૂચવાયેલ સોઇલ સ્ટેબિલિટી રીપોર્ટ તેમજ રાઈડ્સની લોડ બેરિંગ કેપેસીટી તથા અન્ય જરૂરી વિગતોને ધ્યાને લઈ ફાઉન્ડેશન તૈયાર કરવાનું રહેશે. ત્યારબાદ જો માર્ગ અને મકાન વિભાગના ઈજનેર દ્વારા તપાસ થયા બાદ જરૂરી સૂચના મળે તો તેમાં સૂચિત ફેરફાર કરવાનો રહેશે. સંબંધિત રાઈડ માટે જો જરૂર જણાતી ન હોય તો આર. સી.સી. ફાઉન્ડેશન અંગેનો આગ્રહ રાખવાનો રહેશે નહીં તેમ પણ સૂચના આપવામાં આવી છે.જો કે, સામાન્ય રીતે સરકારમાંથી આદેશો કરવામાં આવતા હોય છે પરંતુ એસઓપીમાં છૂટછાટ માટેના આ પરિપત્રમાં મોટાભાગના સ્થાનોએ હુકમ આદેશને બદલે સરકાર તરફથી સૂચન કરતો શબ્દ વાપરવામાં આવ્યો હોય હવે જિલ્લા કલેકટર અને કમિશનર આ બાબતે કેવો રવૈયો અપનાવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની વિવાદમાં સપડાઈ : હત્યાના પ્રયાસ મામલે હસીન જહાં પર કેસ દાખલ, પુત્રીનું નામ પણ સામેલ
પરિપત્રનો અભ્યાસ કર્યા બાદ બે દિવસમાં છૂટછાટનો નિર્ણય લેવામાં આવશેઃ ડીસીપી
ગૃહ વિભાગ મારફતે લોકમેળાની એસઓપીમાં છૂટછાટ આપ્યાના પરિપત્ર અંગે ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે પરિપત્ર મળી ગયો છે અને તેનો અભ્યાસ કર્યા બાદ કેવી, કેટલી અને કેવા પ્રકારની છૂટછાટ આપવી તેના અંગે બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનર આજે સાપુતારા ખાતે મળનારી ડીજીપીની ક્રાઈમ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે રવાના થઈ ગયા હોવાથી તેમના પરત આવ્યા બાદ પોલીસ અધિકારીઓ સંયુક્ત બેઠક કરીને છૂટછાટ અંગે નિર્ણય લઈ શકે છે. સંભવતઃ સોમવારે છૂટછાટનો નિર્ણય જાહેર થઈ જશે.