શું ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે ?? આ પાર્ટી તરફથી ઓફર મળી
ગુજરાતમાં સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ સતત ચર્ચામાં રહે છે. NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા અને બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી બાદ સમાચારમાં છે. ત્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણી લડવાની ઓફર મળી છે. ગેગસ્ટરને આ ઓફર મહારાષ્ટ્રની રાજકીય પાર્ટી ઉત્તર ભારતીય વિકાસ સેના પાર્ટીએ આપી છે. એટલું જ નહીં પાર્ટી અધ્યક્ષ સુનીલ શુક્લાએ લોરેન્સ બિશ્નોઈની સરખામણી શહીદ ક્રાંતિકારી ભગત સિંહ સાથે કરી છે. આ અંગે તેમણે પત્ર પણ લખ્યો છે.
ઉત્તર ભારતીય વિકાસ સેના પાર્ટીના અધ્યક્ષ સુનીલ શુક્લાએ પત્રમાં લોરેન્સ બિશ્નોઈની પ્રશંસા કરતા તેમને ક્રાંતિકારી ગણાવ્યા છે. લોરેન્સ બિશ્નોઈની રાજનીતિમાં પ્રવેશ નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે પાર્ટી તેમની જીત સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે. સુનીલ શુક્લાએ પત્રમાં લખ્યું છે કે, અમે પ્રસ્તાવ આપીએ છીએ કે તમે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડો. ઉત્તર ભારતીય વિકાસ સેનાના કાર્યકરો અને અધિકારીઓ તમારા અભિયાનને સમર્થન આપવા તૈયાર છે. અમે ફક્ત તમારા પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છીએ.
લોરેન્સને ચૂંટણી જીતાડવામાં પાર્ટી કોઈ કસર છોડશે નહીં
પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, અમારી પાર્ટી તમારી જીત સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડશે નહીં. પાર્ટી દ્વારા લોરેન્સ બિશ્નોઈને આ ઓફર એવા સમયે આપવામાં આવી છે જ્યારે તાજેતરમાં જ NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. એટલું જ નહીં આ ગેંગે સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.
લોરેન્સ બિશ્નોઈ 2015થી જેલમાં છે.
લૉરેન્સ બિશ્નોઈ 29 મે, 2022 ના રોજ પંજાબી રેપર સિદ્ધુ મુસેવાલાની હત્યા સાથે સંકળાયેલા હતા ત્યારે તે રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયો હતો. કોંગ્રેસ પાર્ટીના સભ્ય મુસેવાલાની હત્યા લોરેન્સ બિશ્નોઈના સહયોગીઓ દ્વારા કરવામાં આવી હતી. તે ગેંગ વોરનું પરિણામ હોવાનું કહેવાય છે. બિશ્નોઈ 2015થી જેલમાં હોવા છતાં તેમનો ગુનાહિત પ્રભાવ સતત વધી રહ્યો છે અને હવે એક રાજકીય પક્ષ ખુલ્લેઆમ તેમને રાજકીય મેદાનમાં આવવા માટે સમજાવી રહ્યો છે.