બંગાળ, ઝારખંડમાં મોદીએ શું કહ્યું ? વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બંગાળ અને ઝારખંડમાં સભાઓ સંબોધી હતી અને કોલકત્તામાં સાંજે રોડ શો કર્યો હતો. એમણે બંગાળની સભામાં એવો આરોપ મૂક્યો હતો કે બંગાળને પહેલા કોંગ્રેસે લૂટયું અને ત્યારબાદ સીપીએમ અને સીપીઆઈએ અને બાદમાં ટીએમસીના દીદી બંને હાથે બંગાળને લૂટી રહ્યા છે.
ઝારખંડમાં એમણે કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) પર નિશાન સાધતા કહ્યું કે તેઓ લોકોને લૂંટી રહ્યા છે. રાજ્યમાં ઘણા સુંદર પહાડો છે, પરંતુ ઝારખંડની ચલણી નોટોના પહાડો માટે ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ અને જેએમએમને માત્ર તેમની વોટ બેંકની ચિંતા છે.
ઝારખંડના દુમકામાં ચૂંટણી રેલી દરમિયાન જેએમએમ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું, “મારા એક સાથી મને કહેતા હતા કે ઝારખંડમાં લવ જેહાદ શબ્દ પહેલીવાર આવ્યો છે. આપણા દેશમાં રવિવારની રજા હોય છે. જ્યારે અહીં અંગ્રેજોનું શાસન હતું. ખ્રિસ્તી સમુદાય રજા (રવિવારે) ઉજવે છે, આ પરંપરા હિન્દુઓ સાથે જોડાયેલી નથી, અહીં શુક્રવારની જાહેર રજા કરી દેવાઈ શા માટે તેવો સવાલ એમણે કર્યો હતો.
મોદીએ દુમકામાં દાવો કર્યો હતો કે કોંગ્રેસ ગરીબોના નામે પૈસા લૂંટે છે, પરંતુ મોદીએ આ બધું બંધ કરી દીધું. અમે જનતાના પૈસાનો ઉપયોગ જનહિતમાં કરીએ છીએ. લોકો માટે સતત કામ થાય છે.
તેમણે કહ્યું કે 4 જૂન પછી ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવશે, આ મોદીની ગેરંટી છે. વિપક્ષી ગઠબંધન ‘ભારત’ને કંઈ થવાનું નથી, કારણ કે બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ દેશમાં ફરી સરકાર બનાવવા જઈ રહ્યું છે.