ગુજરાતમાંથી કોણ રીપીટ અને કોણ પડતુ મુકાશે ?
- અમિત શાહ, એસ. જય શંકર અને માંડવિયાના નામ નિશ્ચિત : સી.આર.પાટીલ, રૂપાલા, માડમ અને ધવલ પટેલના નામો અંગે પણ ચર્ચા
નરેન્દ્ર મોદી રવિવારે સાંજે વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરવાના છે અને તેમની સાથે મંત્રીઓ પણ શપથ લેવાના છે. ૨૦૧૯ કરતા આ વખતે સ્થિતિ થોડી જુદી છે એટલે ગુજરાતમાંથી કોને કોને મંત્રીમંડળમાં સમાવવામાં આવશે તે અંગે કોઈ ફોડ પાડવા તૈયાર નથી. આમ છતાં અટકળોનું માર્કેટ ગરમ છે. ગુજરાતમાં આ વખતે ૨૬માંથી ૨૫ બેઠક ભાજપને મળી છે અને એક બેઠક બનાસકાંઠામાં કોંગ્રેસ જીત્યુ છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના વિજેતા ઉમેદવાર અમિતભાઈ શાહને એકવાર ફરી કેન્દ્રીય ગૃહમંત્રીની જવાબદારી સોંપવામાં આવશે. જ્યારે પોરબંદર બેઠક પરથી ભાજપના વિજેતા ઉમેદવાર મનસુખ માંડવિયાનું કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન નક્કી મનાઈ રહ્યું છે. ગુજરાતથી રાજ્યસભાનાં સાંસદ એસ.જયશંકરનું પણ મંત્રીપદ નક્કી માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ , જામનગરથી પૂનમ માડમ, વલસાડથી ઘવલ પટેલને મંત્રીપદમાં સ્થાન મળવાની સંભાવના છે.
આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમત ન મળતા 2019 ની સરખામણીએ બે મંત્રીપદ ઘટી શકે છે તેવું પણ માનવામાં આવે છે. જો કે કોઈ અધિકૃત રીતે કહેવા તૈયાર નથી. નરેન્દ્ર મોદીની છેલ્લી કેબીનેટમાં રહેલા મંત્રીઓ પરસોત્તમ રૂપાલા અને દેવુસિંહ ચૌહાણને ફરીથી સ્થાન મળશે કે કેમ તે અંગે પણ ચર્ચાઓ થઇ રહી છે. સુરતથી બિનહરીફ થયેલા મુકેશ પટેલનું નામ પણ ચર્ચામાં છે. કચ્છના વિનોદ ચાવડા પણ નરેન્દ્ર મોદીની ગુડબુકમાં હોવાથી તેના નામની પણ ચર્ચા છે.