તાલુકામાં બેખૌફ બુટલેગરો, ધંધાર્થીઓને કોની જય?
રાજકોટ શહેરમાં લુખ્ખાઓ, બુટલેગરો, ધંધાર્થીઓ સાથે બાથ ભીડતા અચકાતા કે ડરતા નથી. ખોટું કરનાર કે આવા ખોટા ધંધા કરનારાઓને પોલીસનો ડર હોય જ પરંતુ કાં તો પોલીસની ધંધાર્થીઓ પાસે કોઈ લાલસા હોય અથવા તો પોલીસના જ અંદરના કોઈનું ધંધાર્થીઓને પીઠબલ હોય તો જ ધંધાર્થીઓ કે આવા ઈસમો પોલીસની ગીરેબાનમાં હાથ નાખી શકે. રાજકોટ તાલુકા વિસ્તારમાં બેખૌફ બુટલેગરો, ધંધાર્થીઓને કોઈની જય હશે ? અંદરના કોઈ છૂપા વહિવટદાર હશે ? જેને કારણે ધંધાર્થીઓ પોલીસને દાદ નહીં આપતા હોય. કેટલાક એવા વિસ્તાર છે કે ત્યાં એકલ-દોકલ પોલીસ તો જતા પણ ખચકાય કે જઈ ન શકતી હોવાની ચર્ચા છે. શું ધંધાર્થીઓ પોલીસથી બળુકા બન્યા હશે કે કોઈનું પીઠબળ હશે?
વાવડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે પોલીસ કર્મીને પીધેલાઓ, ધંધાર્થીઓએ ઘેરી લઈ હુમલો કર્યો. ખરેખર એ પોલીસ માટે નાલેશી કહેવાય. એકલ-દોકલ પોલીસ હોય તો શું આવી રીતે ઘેરી લઈને ગાંઠે પણ નહીં તેવી સ્થિતિ હશે ? ધંધાર્થીઓ પકડાય પોલીસના સંપર્કમાં આવે એટલે એવા પણ પોલીસ કર્મી હોતા હશે કે ધંધાર્થી સાથે ફાવટ આવી જતી હશે અને ધંધાર્થી અને પોલીસ કર્મીના સંબંધો મજબૂત થઈ જતાં હશે અને એ પોલીસ કર્મીઓ કદાચ ઉપરી અધિકારીઓથી નજીક હોવાથી નજીક હોવાથી કે બહાર એવો દેખાવ કરતા હોય કે સાહેબને તો અમે કહીએ એમ કરશે કે કરી દેશે, કરાવી લેશું.
ખરેખર સાહેબો પણ વિશ્વાસ મુકીને આંખ બંધ કરી દેતા હશે કે ખુલ્લી છૂટ આપી દેતા હશે ? જો આવું ન હોય તો સાહબે જ કડકાઈ દાખવીને જો જય બોલાવતા હોય કે ધંધાર્થીઓને કવચ આપતા હોય તો સાફસુફી કરવી જોઈએ તો જ એમની છાપ અમીપ કે શુધ્ધ રહેશે. જો વહિવટદાર હોય તેની છૂટ હોય, ભૂંડી ભૂમિકા હોય અને સાહેબના નામે ચાલતું હોય સત્ય હોય તો શરમજનક કહેવાય.
વહીવટ સંભાળનારને પણ અલાયદો ખાનગી માણસ?
એવી વાતો છે કે સંભાળનારા દ્વારા સાહેબ સાથે અંગત અથવા તો મીઠાશ છે કે કેમ ? કે એવું ચલાવાતું હશે અને ધંધાર્થીઓને જય બોલાવવા દેવાતી હશે ? આરોપીઓ, ગુનેગારોને પકડવા કરતા રજૂ કરાવવાની ભૂમિકા વધુ હોય છે. વહિવટ સંભાળીને સાંજ પડે ને થકાન લાગતી હશે તેમ થાક ઉતારતું ટોનીક કે આવા પીણાની જરૂર પડતી હશે એ સવલત ઉપરાંત નક્કી થયેલી જગ્યાએથી બાંધણુ લઈ આવવા માટે પોલીસ સાથે સંકળાયેલા ઋષિમુનિ જેવા વ્યક્તિને કામ સોંપાયેલું છે અને આ વ્યક્તિ બાંધણુ લઈ આવીને વહિવટ સંભાળનારને આપતા કે પહોંચતો થતો હોવાની ચર્ચા છે. જો આવું થતું હોય અને સાહેબ અજાણ હોય તો તેમની છાપ ક્યારેક ખરડાશે. અણીશુધ્ધ છાપ ધરાવતા ઉચ્ચ અધિકારીએ પણ ખાનગી રીતે તપાસ કરવી જોઈએ અને સત્ય હોય તો સાફસૂફી થવી જોઈએ. અત્યારે તો કાંઈપણકારની ઉપરોક્ત બાબત ક્યાંય ઓનપેપર નથી માટે ચર્ચા, જો અને તો અને અફવા માનવી પડે.