જનતા જે મુદ્દાને પસંદ કરે છે તેનો જ વિરોધ કોંગ્રેસ કરતી હોવાથી મત ક્યાંથી મળે? અમિત શાહે વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં 27 કિલોમીટર લાંબી ડ્રેનેજ લાઈનનું ખાડો ખોદ્યા વગર બિછાણ કરવામાં આવ્યું હોય તેનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધન કરતા તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે લોકોને જે મુદ્દા ગમે અને સ્પર્શે છે તેનો જ વિરોધ કરવાનું કોંગ્રેસ ને સૂઝતું હોવાથી લોકો તેમને મત ક્યાંથી આપે ? રાહુલ ગાંધીને તેમણે કહ્યું હતું કે રાહુલબાબા, તમે હારી હારીને થાકી ન જતાં કેમ કે 2029માં પણ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જ હશે.
અમદાવાદની 4500 સોસાયટીમાં ગટરના પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈન ફિટ કરવામાં આવી હતી જે ખાડો ખોદ્યા વગર જ પાથરવામાં આવી હતી. આ અંગે અમિત શાહે કહ્યું હતું કે 15 લાખ લોકોની વસતી હોવા છતાં ક્યારેય કોઈએ આંદોલન કર્યું નથી છતાં લોકોને સુવિધા મળી ગઈ છે. રાહુલ ગાંધીએ સમજવું જોઈએ કે તેઓ નિરર્થક મુદ્દે આંદોલન કરી રહ્યા છે.
આ પણ વાંચો :પ્રદેશ ભાજપના નવા માળખામાં સૌરાષ્ટ્રને પ્રાધાન્ય : રાજકોટ શહેરને ‘રાહ’ દેખાડાઇ! મહત્વપૂર્ણ પદ 4 મહામંત્રી પૈકી બે સૌરાષ્ટ્રના જેતપુર, સુરેન્દ્રનગરના યુવા અગ્રણી લેવાયા
રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે અમે કેમ ચૂંટણી હારી જઈએ છીએ ? આ વાતનો જવાબ આપતાં અમિત શાહે કહ્યું કે દરેક મુદ્દે વિરોધ કરવાને કારણે જ કોંગ્રેસ ને મત મળી રહ્યા નથી. સરકાર દ્વારા રામ મંદિર બનાવવામાં આવે, પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવે, બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભગાડવામાં આવે, કાશીમાં મંદિર બનાવવામાં આવે, 370ની કલમ હટાવવામાં આવે કે પછી કોમન સિવિલ કોડ લાવવામાં આવે કોંગ્રેસ નો હંમેશા વિરોધ જ હોય છે તો તેમને મત ક્યાંથી મળે ? રાહુલ ગાંધીને સમજાવવાની તાકાત તેમના પક્ષના નેતાઓ પાસે જ નથી તો અમે ક્યાંથી સમજાવીએ ? અમિત શાહે ખોખારો ખાઈને કહ્યું હતું કે બંગાળ અને તમીલનાડુમાં પણ ભાજપ હરિફ પક્ષને હરાવીને સરકાર બનાવશે તે નક્કી છે.
