આમાં ક્યાંથી ભણે ગુજરાત! શિક્ષકોને ભણાવવા સિવાય આ 56 પ્રકારની કામગીરી સોંપાય છે
દેશને રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લશ્કરીવડા, ક્રિકેટર, અભિનેતા, સનદી અધિકારીઓ, બિઝનેસમેન, ઈજનેર સીએ, વકીલ, ડોકટરથી લઈ કારકુન અને પટ્ટાવાળા સુધીના ભણેલા ગણેલા નાગરિકોની ભેટ આપતા શિક્ષકોની હાલત છેલ્લા બે દાયકામાં કફોડી બની છે. આજનો શિક્ષક શિક્ષક નહિ પણ મજૂર હોય તેમ નોકરી કરી રહ્યો છે. સાંપ્રત સરકારમાં શિક્ષક પાસેથી ગુરુનો દરજ્જો છીનવી લઈ ગદ્ધાવૈતરું કરાવવામાં આવી રહ્યું છે. શિક્ષણને કોરાણે મુકાવી સરકાર શિક્ષક પાસેથી મતદાર યાદી, એક પેડ મા કે નામ, સ્વચ્છતા હી સેવા અને છાસવારે ટપકી પડતા નેતાઓના કાર્યક્રમો સહિતના 56 જેટલા અન્ય કામો કરાવી રહી હોય રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો દ્વારા ઇતરપ્રવૃત્તિમાંથી મુક્તિ માંગવામા આવી છે.
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ પાછળ લખલૂંટ ખર્ચ કરવા છતાં શિક્ષણનું સ્તર દિવસે દિવસે કથળી રહ્યુ છે. સરકારી શાળાઓમાં કથળેલી શિક્ષણ વ્યવસ્થાનો લાભ ખાનગી શાળાઓને મળી રહ્યો છે. સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર નીચું ઉતરવા પાછળ શિક્ષકોને શિક્ષણ સિવાયની પ્રવૃત્તિમાં જોતરી દેવામા આવ્યા હોય તેઓ શિક્ષણ પ્રત્યે લક્ષ્ય આપી શકતા નથી. હાલમાં રાજ્યના શિક્ષકોને બીએલઓ તરીકે મતદાર યાદીની કામગીરીથી લઈ મધ્યાહન યોજના, કુપોષણ, વિવિધ શિષ્યવૃતિ, વિદ્યાર્થીના ખાતા ખોલવા, ઇ-કેવાયસી, ઉપરાંત અનેકાનેક 56 પ્રકારની ઓનલાઈન – ઓફલાઇન કામગીરી સોંપવામાં આવી છે. પરિણામે શિક્ષકો વર્ષના 110 દિવસ એટલે કે એક શૈક્ષણિક સત્ર જેટલો સમય કામ કરે તો પણ આ કામ ખૂટી શકતા નથી.
આ પણ વાંચો :‘ભલામણ રાખવી પડશે, સાચવવા પડશે’ RMCમાં ઈજનેરની ભરતી આ બે મુદ્દા આધારિત જ કરાશે? વાંચો કાનાફૂસી
સરકારની કઈ કઈ કામગીરી કરે છે શિક્ષકો
- શિક્ષકોને ભણાવવાને બદલે બીએલઓ તેમજ સુપરવાઇઝરની કામગીરી
- એક પેડ મા કે નામ અંતર્ગત શિક્ષકો બાળકોના માતા સાથેના ફોટા પાડી અપલોડ કરી સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની કામગીરીમાં વ્યસ્ત
- સ્વચ્છ એવમ હરિત વિદ્યાલય ફોટા પાડી રજીસ્ટ્રેશનમાં વ્યસ્ત છે
- વિકસિત ભારત બિલ્ડથોન ૨૦૨૫ કાર્યક્રમના અમલીકરણમાં વ્યસ્ત
- કલા ઉત્સવ તૈયારીમાં વ્યસ્ત
- બાલ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વ્યસ્ત
- ગ્રાન્ટ વપરાશ તેમજ PFMS કરવામાં વ્યસ્ત
- રાષ્ટ્રીય પોષણ માસ કાર્યક્રમ અંતર્ગત નાટકો ગ્રામજનોને જાગૃત કરવા વગેરે જેવી બાબતોમાં વ્યસ્ત
- CTS અપડેશન કામગીરીમાં વ્યસ્ત
10 . UDISE+ કામગીરીમાં વ્યસ્ત
- અપાર ID બનાવવામાં વ્યસ્ત
- ખેલ મહાકુંભની એન્ટ્રી કરવામાં વ્યસ્ત
- એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ કરવામાં આવ્યા
- ટ્વિનિંગ કાર્યક્રમ કરવામાં વ્યસ્ત
- રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન તેમજ શહેર એક્ઝિબિશન કાર્યક્રમ કરવામાં વ્યસ્ત
- વિકસિત ભારત બિલ્ડથોન ૨૦૨૫ કાર્યક્રમના અમલીકરણ કરવામાં વ્યસ્ત
- દીક્ષા પોર્ટલ પર તાલીમ લેવામાં વ્યસ્ત
- તાલુકા લેવલ વિષયની તાલીમ લેવામાં વ્યસ્ત
- સ્વછતા હી સેવા કાર્યક્રમ અમલીકરણ અંતર્ગત વ્યસ્ત
- સ્વછતા પખવાડિયું ઉજવવામાં વ્યસ્ત
- શિષ્યવૃતિની ડિજિટલ ગુજરાત અંતર્ગત કામગીરી કરવામાં વ્યસ્ત
- ઓનલાઈન તેમજ ઓફલાઈન હાજરી પૂરવામાં વ્યસ્ત
- રોજનીશી, પત્રક A B C એનલાઈન તેમજ ઓફલાઈન એન્ટ્રી કરવામાં વ્યસ્ત
- ત્રિમાસિક કસોટી લઈ પેપર ચેક કરવામાં વ્યસ્ત
- એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત 75 રૂપિયામાં તજજ્ઞને આમંત્રણ આપી તાસ યોજી 50 રૂપિયાની શૈક્ષણિક કીટ લઈ PFMS કરી UTC હાર્ડકોપી પહોંચાડવામાં વ્યસ્ત
- સમૃદ્ધિ કાર્યક્રમની એન્ટ્રી કરવામાં વ્યસ્ત
- CET NMMS CGMS PSE વગેરે પરીક્ષા ફોર્મની એન્ટ્રી કરવામાં વ્યસ્ત
- નેશનમ સ્પોર્ટ્સ ડેની ઊજવણી કરવામાં વ્યસ્ત
- SMCની મિટિંગ એજન્ડા ફોટા ભાવ પત્રક વગેરે નિભાવમાં વ્યસ્ત
- વિદ્યાંજલી પોર્ટલમાં એન્ટ્રી કરવામાં વ્યસ્ત
- વિશ્વ સિંહદિન ઉજવણી કરવામાં વ્યસ્ત
- સંસ્કૃત સપ્તાહ ઉજવણીમાં વ્યસ્ત
- 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી ઉજવણી તૈયારીમાં વ્યસ્ત
- SBI, ICICI, BOB, SMC EDUCATION PRINCIPAL જેવા ખાતા ખોલવાની કામગીરી
- ઇન્સ્પાયર એવોર્ડ રજીસ્ટ્રેશનમાં વ્યસ્ત
- વિદ્યાર્થીની ઈ કેવાયસી કામગીરી કરવામાં વ્યસ્ત
- શાળા પ્રવેશોત્સવ ઉજવણી કરવા સંદર્ભે આયોજનમાં વ્યસ્ત
- નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમમાં વ્યસ્ત
- પૂર્ણા યોજના તેમજ વિવિધ યોજના અંતર્ગત પુનઃ પ્રવેશ કરવામાં વ્યસ્ત
- શાળા બહારના બાળકોનો સર્વે કરવામાં વ્યસ્ત
- શાળાએ ન આવતા બાળકોના વાલી સંપર્ક કરવામાં વ્યસ્ત
- શાળા બહારના બાળકોને પુનઃ પ્રવેશ આપવા સંદર્ભે વાલીઓને કન્વિન્સ કરાવવામાં વ્યસ્ત
- SIC સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ કામગીરીમાં વ્યસ્ત
- યોગ દિવસની ઉજવણીમાં વ્યરત
- વિદ્યાંજલિ કાર્યક્રમ અંતર્ગત સમાજની સહભાગીતા વધારવા માટે મીટીંગ તેમજ વાલીઓને કન્વીન્સ કરવામાં વ્યસ્ત
- હર હર તિરંગા કાર્યક્રમમાં વ્યસ્ત
- ઈકો ક્લબ પ્રવૃત્તિમાં વ્યસ્ત
- સ્કૂલ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવામાં વ્યસ્ત
- ઈ ખેલ પાઠશાલા ખેલો ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન કરવામાં વ્યસ્ત
- કર્મયોગી બોટલ પર એન્ટ્રી કરવામાં વ્યસ્ત
- એસએએસ પોર્ટલ પર બિલ બનાવવામાં વ્યસ્ત
- બેસ્લાઈન એસેસમેન્ટ કરવામાં વ્યસ્ત
- સક્ષમ શાળા એન્ટ્રી કરવામાં વ્યસ્ત
- વિવિધ VC તેમજ લાઇવ ટેલિકાસ્ટ નિહાળવામાં વ્યસ્ત
- મધ્યાન ભોજન ની ઓનલાઇન ડેટા એન્ટ્રી તેમજ રજીસ્ટર નિભાવમાં વ્યસ્ત
- શાળા સિદ્ધિ રજીસ્ટ્રેશન કામગીરીમાં વ્યસ્ત
સરેરાશ 55 દિવસના ગુણ્યા બે કરીએ તો 110 દિવસની કામગીરી થાય તો એક સત્ર તો પૂર્ણ થઈ જાય, તો શિક્ષક ભણાવે ક્યારે?
આ પણ વાંચો :જયપુરની SMS હોસ્પિટલમાં અગ્નિકાંડ : ટ્રોમા સેન્ટરના ICU વોર્ડમાં આગ લાગતાં 8 લોકોના મોત, સ્ટાફ દર્દીઓને છોડીને ભાગ્યો
શિક્ષકોને અન્ય કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે તો શિક્ષણ સુધરે
હાલમા સરકારી શાળાઓના શિક્ષકોને ભણતરને બદલે ઇતર કામગીરીમાં જોતરી દેવામાં આવ્યા છે ત્યારે જો સાચા અર્થમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની જવાબદારી ન સોંપવામાં આવે તો આ શિક્ષકો એકલવ્ય જેવા શિષ્યો સમાજને આપી શકે તેમ છે. ખાનગી શાળાઓમાં લાયકાત વગરના કે ઓછું ભણેલા શિક્ષકો હોવા છતાં જો આવી ખાનગી શાળાઓ બોર્ડમાં નંબર લઈ જતી હોય તો સનિષ્ઠ શિક્ષકોને જો ફક્ત ભણાવવાની જ જવાબદારી સોંપવામાં આવે તો 100 ટકા રાજ્યનું શિક્ષણસ્તર સુધરી શકે તેમ હોવાનું શિક્ષક આલમ જણાવી રહ્યો છે.
