રાજ્યભરમાં ક્યારથી શરુ થશે ગરીબ કલ્યાણ મેળા ? જાણો શું મળશે લાભ
- આવતા મહીને રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે
- 33 ગરીબ કલ્યાણ મેળાઓમાં 125 કરોડ રૂપિયાની કીટ્સનું લાભાર્થીઓને વિતરણ થશે.
ગાંધીનગર
રાજ્યના ગરીબ વર્ગો અને અંતરિયાળ વિસ્તારોના વંચિત લોકો સુધી સરકારની કલ્યાણ યોજનાઓના લાભ હાથોહાથ પહોંચાડતા ગરીબ કલ્યાણ મેળાની 14મી કડી આગામી સપ્ટેમ્બર-2024માં યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સાકાર કરવા દરેક જિલ્લામાં એક-એક એમ કુલ 33 ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન રાજ્ય સરકાર દ્વારા થવાનું છે.
2009થી શરૂ થયેલી ગરીબ કલ્યાણ હિતલક્ષી પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગળ ધપાવી છે. તેમણે આગામી સપ્ટેમ્બર-2024માં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી અંદાજે 90 હજારથી વધુ લાભાર્થીઓને 125 કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત સાધનસહાય કીટ્સનું પ્રત્યક્ષ વિતરણ કરવા સંબંધિત વિભાગોને પ્રેરિત કર્યા છે.
આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આ મેળાના સ્થળે જ જરૂરતમંદ લોકોને મળી રહે તે માટે વિવિધ વિભાગોના સ્ટોલ્સ ઊભા કરવાનું પણ સૂચન કર્યું છે.
ગરીબ કલ્યાણ મેળાની જે 13 કડી અત્યાર સુધીમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, તેમાં 1604 આવા મેળાઓ દ્વારા 36,800.90 કરોડ રૂપિયાની સહાય 1.66 કરોડ લાભાર્થીઓને પહોંચાડવામાં આવી છે.
આ ગરીબ કલ્યાણ મેળામાં વ્યક્તિલક્ષી યોજનાઓ, માનવ ગરીમા યોજના, કુંવરબાઇનું મામેરૂ, ડો. આંબેડકર આવાસ યોજના, વિદેશ અભ્યાસ લોન યોજના, પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના, વન સંરક્ષણ અને વિકાસની યોજના, નિર્ધુમ ચૂલા, વૃક્ષ ખેતી યોજના, વિકેંદ્રિત પ્રજા નર્સરી, વ્યક્તિગત આવાસ યોજના, વ્હાલી દીકરી યોજના, ખેતીવાડી યોજના, પશુપાલન વિભાગની યોજના, બાગાયત વિભાગની યોજના, માનવ ક્લ્યાણ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મા અમૃતમ યોજના, મિશન મંગલમ યોજના વગેરેના લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી સપ્ટેમ્બરમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓ સફળ બનાવવા માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગોએ પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે.