મહાપાલિકાની ચૂંટણીઓ ઉપર SIRની શું અસર પડશે? રાજ્ય ચૂંટણી પંચે અભ્યાસ શરુ કર્યો
કેન્દ્રીય ચૂંટણી પંચે દેશભરમાં મતદાર યાદી સુધારણા ( SIR)ની શરૂઆત કરી દીધી છે અને પહેલા તબક્કામાં કેટલાક રાજ્યોની સાથે ગુજરાતનો પણ સમાવેશ થાય છે ત્યારે આ પ્રક્રિયાની આગામી મહાપાલિકાની ચૂંટણી ઉપર કેવી અસર કરી શકે છે તેનો અભ્યાસ રાજ્ય ચૂંટણી પંચે શરુ કર્યો છે.
રાજ્યમાં મહાપાલિકાની ચૂંટણીઓ આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરી માં થશે તેવી ગણતરી છે. રાજ્યમાં SIR ની પ્રક્રિયા 28 ઓક્ટોબરના રોજ શરૂ થઈ છે અને 7 ફેબ્રુઆરી, 2026 સુધીમાં પૂર્ણ થવાની છે.
રાજ્યમાં કુલ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ચૂંટણી યોજવાની છે અને તેમાં નવ નવી રચાયેલી મહાનગરપાલિકાઓનો પણ સમાવેશ થાય છે. 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોમાં પણ મતદાન યોજાશે. રાજ્ય ચૂંટણી પંચે એ નક્કી કરવાનું રહેશે કે આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ હાલની મતદાર યાદીઓ અનુસાર યોજવી કે SIR પછી ઉપલબ્ધ કરાવાતી અંતિમ મતદાર યાદીઓ અનુસાર યોજવી.
આ પણ વાંચો : કોહલીનું ‘વિરાટ’ કરિયર : પિતાનું અવસાન અને એ રણજી ટ્રોફીની મેચ જેમાં…કિંગ કોહલીના 37માં બર્થડે પર જાણો અદ્ભુત રેકોર્ડ્સ વિશે
સૂત્રોએ સંકેત આપ્યો છે કે જો SIR પછી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવામાં આવે તો ચૂંટણીઓ થોડા મહિના માટે મુલતવી રાખવામાં આવી શકે છે, અને જો આમ થાય તો તમામ મહાપાલિકામાં વહીવટદારની નિમણુંક કરવી પડે તેમ છે કારણ કે સ્થાનિક સંસ્થાઓનો કાર્યકાળ સમાપ્ત થઈ જશે. રાજ્ય ચૂંટણી પંચનાં કમિશનર એસ મુરલી કૃષ્ણાએ કહ્યું, છે કે “અમે SIR ના પરિણામોનો અભ્યાસ શરૂ કર્યો છે.
તેમણે કહ્યું કે જ્યાં ચૂંટણીઓ સુનિશ્ચિત છે તે સ્થાનિક સંસ્થાઓનો કાર્યકાળ ફેબ્રુઆરી 2026 અથવા માર્ચના પ્રથમ અઠવાડિયા સુધીમાં સમાપ્ત થશે. “અમે ટૂંક સમયમાં SIR પર વિવિધ લોકો સાથે પરામર્શ કરીશું અને ત્યારબાદ નિર્ણય લઈશું,” તેમણે કહ્યું. “અમે અન્ય રાજ્યો શું કરી રહ્યા છે અને સામાન્ય નિયમો અને પૂર્વધારણાઓનો પણ અભ્યાસ કરીશું.” રાજ્યના લગભગ 80% પાત્ર મતદારો મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
