રાજકોટના હનુમાન મઢી ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા ચાલકોને સજા તરીકે શું મળે છે ? શૌચાલયની દૂર્ગંધ! વાંચો લોકોએ શું કહ્યું ?
રાજકોટનો કૂદકે ને ભૂસકે વિકાસ થઈ રહ્યો છે, શહેર સવારે ઓછું, રાત્રે વધુ વિકસી રહ્યું છે, અહીં લોકોને મોઢે માંગી સુવિધા મળી રહી છે…આ વાક્યો શહેરીજનો નહીં બલ્કે મહાપાલિકાના `કામઢા’ અધિકારીઓ અને પદાધિકારીઓ કહી રહ્યા છે. જો કે લોકોને શું મળી રહ્યું છે અને શું નથી મળી રહ્યું તે જાણવું હોય તો એ.સી.ચેમ્બરમાંથી બહાર નીકળીને એક વખત રસ્તા ઉપર ઉતરવું પડે…! ખેર, તેમના દાવા કેટલા સાચા છે અને કેટલા ફાટી ગયેલા ઢોલ જેવા છે તેની વધુ ચર્ચા અત્રે કરવી નથી પરંતુ અત્યારે એક એવી સમસ્યા લોકોને સતાવી રહી છે જેનો `ઈલાજ’ કરવામાં નહીં આવે તો આંદોલન માટે રસ્તા ઉપર ઉતરવું પડશે ! આ સમસ્યા છે હનુમાન મઢી ટ્રાફિક સિગ્નલ પર વર્ષોથી ખડકાયેલા શૌચાલયની…હજારો વાહનચાલકોએ અહીં સવાર-બપોર-સાંજ સિગ્નલ પર ઉભું રહેવું પડતું હોય બરાબર તેઓ ઉભા રહે છે ત્યાં જ શૌચાલય હોવાથી સજારૂપે તેમને દૂર્ગંધ જ પ્રાપ્ત થઈ રહી છે !

અધિકારીઓ કે પદાધિકારીઓ પોતાની કારનો કાચ બંધ કરીને કદાચ અહીં ઉભા રહેતા હશે પરંતુ `વોઈસ ઓફ ડે’એ રૂબરૂ જઈને ત્યાંના લોકોની વાત જાણી હતી જેમાં સાચી વાસ્તવિક્તાનો ખ્યાલ પણ આવ્યો હતો. આ શૌચાલય વર્ષોથી અહીં ખડકાયેલું છે પરંતુ ત્યારે ટ્રાફિક સિગ્નલ કદાચ કાર્યરત ન્હોતું અથવા તો એટલી સંખ્યામાં વાહન અહીં થોભતા ન્હોતા પરંતુ ટ્રાફિક સમસ્યાને કંટ્રોલ કરવા માટે અહીં સિગ્નલ મુકાયું ત્યારે અધિકારીઓ કે પદાધિકારીઓને આ શૌચાલયનો ખ્યાલ આવ્યો ન હોવાથી હજુ સુધી તે અહીં અડીખમ ઉભેલું છે. અહીં મેડિકલ સ્ટોર, હોટેલ, જનઔષધિ કેન્દ્ર, દૂધની ડેરી સહિતના વ્યવસાયિકો પણ કાર્યરત છે ત્યારે આ તમામે `વોઈસ ઓફ ડે’ને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ શૌચાલયને કાં તો અહીંથી અન્ય સ્થળે ખસેડવું જોઈએ અન્યથા દૂર જ કરી દેવું જોઈએ કેમ કે અહીં શૌચાલયનો ઉપયોગ ઓછો દુરુપયોગ વધુ થઈ રહ્યો છે. અહીં મોટાપાયે દુકાનો આવેલી હોવાથી તંત્રએ અન્ય સ્થળે જે પ્રકારે આધુનિક શૌચાલય ડેવલપ કર્યા તેવી વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ તેના માટે અન્ય જગ્યા પસંદ કરવામાં આવે તો અહીંથી પસાર થનારા હજારો વાહનચાલકો તેમજ વ્યવસાયિકોને ખરો લાભ મળશે.

આ શૌચાલયમાં દારૂની કોથળીઓ, દારૂની બોટલ સહિતનો કચરો તો એકઠો થાય જ છે સાથે સાથે વ્યવસ્થિત સફાઈ પણ થતી ન હોય લોકો રીતસરના ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
લોકોએ શૌચાલય અંગે શું કહ્યું ?
દારૂડિયા અહીં જ દારૂ પીને કોથળી ફેંકી નીકળી જાય છેઃ ભગીરથસિંહ

હનુમાન મઢી ચોકમાં જ જનઔષધિ કેન્દ્ર ચલાવતા ભગીરથસિંહ પરમારે જણાવ્યું કે આ શૌચાલયથી અત્યંત દુવિધા થઈ રહી છે એટલા માટે તંત્રએ અન્ય સ્થળે તેને ખસેડવી જોઈએ. અહીં દારૂડિયાઓ દારૂ પીને કોથળી ત્યાં જ ફેંકીને નીકળી જાય છે.
સિગ્નલ ઉપર ઉભું રહેવું ભારે પડી રહ્યું છેઃ મહેશભાઈ

મહેશભાઈ નામની એક વ્યક્તિ કે જે અહીંથી વારંવાર પસાર થાય છે તેમણે જણાવ્યું કે શૌચાલયની દૂર્ગંધને કારણે સિગ્નલ ઉપર ઉભું રહેવું ભારે થઈ ગયું છે. અહીં યોગ્ય સાફ-સફાઈ પણ થઈ રહી નથી એટલા માટે દૂર્ગંધને કારણે લોકો અહીં ઉભા રહેવાની જગ્યાએ સિગ્નલ તોડી રહ્યા છે.
મહિલાઓની અવર-જવર હોવા છતાં તંત્ર ધ્યાન આપતું નથીઃ નીરવ ઠક્કર

નીરવભાઈ ઠક્કરે જણાવ્યું કે શૌચાલયમાં બેફામ ગંદવાડો થઈ રહ્યો છે. મહિલાઓની અહીં અવર-જવર હોવા છતાં તંત્ર એ દિશામાં ધ્યાન આપતું નથી. વેપારીઓ દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે પરંતુ કોઈ જ કાર્યવાહી થઈ રહી નથી.
આ પણ વાંચો : ડાયરેક્ટ DSP જ બનશે…રાજકોટમાં પુત્રને DSP બનાવી આપવાના નામે પશુપાલક સાથે 1.48 કરોડની છેતરપિંડી, જાણો શું છે મામલો
હવે તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છેઃ દિવ્યેશ માઢક

દિવ્યેશ માઢક નામના નાગરિકે જણાવ્યું કે ચાર રસ્તા ઉપર જ આ શૌચાલય ઉભું હોવાથી તેની દૂર્ગંધને કારણે જ્યાં સુધી સિગ્નલ ન ખૂલે ત્યાં સુધી શ્વાસ લેવાનું બંધ કરવું પડી રહ્યું છે અથવા તો ફટાફટ નીકળી જવું પડે તેમ હોવાથી સિગ્નલનું પાલન પણ થતું નથી.
ઉપયોગ ઓછો, દુરુપયોગ વધુ થાય છેઃ મયાભાઈ

મયાભાઈ નામના એક વૃદ્ધે જણાવ્યું કે આ શૌચાલયનો ઉપયોગ ઓછો અને દુરુપયોગ વધુ થઈ રહ્યો છે. આ શૌચાલયમાં દારૂની કોથળી ન મળે તેવું કોઈ દિવસ બનતું નથી. સફાઈ પણ બે-ત્રણ દિવસે માંડ માંડ થઈ રહી છે.
શૌચાલયના નામે અમને સજા અપાઈ રહી છે

એક જાગૃત નાગરિકે જણાવ્યું કે મહાપાલિકા અમને આ શૌચાલયના નામે રીતસરની સજા આપી રહી હોય તેવું ાગી રહ્યું છે. અહીં પાણીની કોઈ જ વ્યવસ્થા નથી જેના કારણે દૂર્ગંધમાં સતત વધારો થઈ રહ્યો છે.
`વોઈસ ઓફ ડે’ વ્યૂઃ શૌચાલય હટે તો ડાબી બાજુનો રસ્તો `ક્લિયર’ થઈ શકે
તંત્ર દ્વારા લોકોની સુવિધા માટે આ શૌચાલય બનાવવામાં આવ્યું છે પરંતુ તેના કારણે સુવિધા ઓછી અને દુવિધા વધુ ઉભી થઈ રહી છે. આ શૌચાલયનો ઉપયોગ અત્યારે ઓછો થઈ રહ્યો હોવાને કારણે તેની જરૂર વધુ હોય તેવું લાગી રહ્યું નથી પરંતુ શહેરની ટ્રાફિક સમસ્યા તેમજ હનુમાન મઢી પાસે એકઠા થનારા વાહનોની સંખ્યાને જો ધ્યાન પર લેવામાં આવે તો એક વાત જરૂર નિશ્ચિત છે કે આ શૌચાલય દૂર થઈ જવાથી ડાબી બાજુ જનારા ચાલકો કે જેઓ નિર્મલા રોડ પર જવા માંગે છે તેમને ઘણી સરળતા રહેશે કેમ કે આ શૌચાલય જગ્યા પણ એટલી જ રોકી રહ્યું છે સાથે સાથે મહત્તમ લોકો તેનો ઉપયોગ પણ ટાળી રહ્યા છે.
