વરસાદ મોડો આવશે તો? સરકાર પાસે અત્યારથી જ નર્મદા નીર માંગતી રાજકોટ મનપા
- 1 જૂનથી આજી-ન્યારી ડેમને નર્મદા નીરથી ભરવાનું શરૂ કરાશેઃ સરકારે 2500માંથી 1608 MCFT પાણી જ આપ્યું હોય બાકીનું નીર ઠાલવવા પત્ર લખાયો
- બન્ને ડેમમાં 15 જૂન સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ પણ છેલ્લી ઘડીએ વિતરણ ન ખોરવાય તે માટે આગોતરી તૈયારી કરી લેવાઈ
ભારતમાં આ વખતે ચોમાસું વહેલું બેસી જશે તેવી આગાહી તો હવામાન ખાતા દ્વારા કરી દેવામાં આવી છે આમ છતાં રાજકોટમાં મેઘકૃપા મોડી થાય તો દૈનિક પાણી વિતરણ ખોરવાઈ જવાની નોબત આવી જાય તેમ હોવાની ભીતિને પગલે મહાપાલિકા દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતાં આજી-1 અને ન્યારી-1 ડેમમાં અત્યારે 15 જૂન સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે આમ છતાં જો વરસાદ મોડો પડે તેવી સ્થિતિમાં વિતરણ વ્યવસ્થા ન ખોરવાય તે માટે મહાપાલિકાએ સરકાર પાસે 1 જૂનથી નર્મદા નીર આપવાની માંગણી કરતો પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સરકાર દ્વારા મહાપાલિકાને મોઢે માંગ્યુ નર્મદા નીર આપવામાં આવી રહ્યું છે અને 193 કરોડ જેટલું બિલ ચડત હોવા છતાં કોઈ વાર કડક ઉઘરાણી કરવામાં આવી નથી એટલા માટે જ મહાપાલિકા ફટાફટ પત્ર લખીને પાણી માંગતાં ખચકાટ અનુભવતી નથી. તંત્ર દ્વારા જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા મહાપાલિકાને 2500 એમસીએફટી નર્મદા નીર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાંથી આજી-1 ડેમમાં 836 અને ન્યારી-1 ડેમમાં 772 એમસીએફટી પાણી આપવામાં આવ્યું છે. આ પ્રમાણે 2500માંથી 1608 એમસીએફટી પાણી આપી દેવાયું છે ત્યારે બાકી રહેતું 892 એમસીએફટી પાણી 1 જૂનથી વિતરણ કરવા માંગણી કરવામાં આવી છે.
બન્ને ડેમની હાલની સ્થિતિ જોવામાં આવે તો 29 ફૂટના આજી-1 ડેમમાં અત્યારે 22.90 અને 25 ફૂટના ન્યારી-1 ડેમમાં અત્યારે 18.70 ફૂટ પાણી ઉપલબ્ધ છે એટલા માટે જો નર્મદા નીર ન મળે તો પણ 15 જૂન સુધી તો દૈનિક વિતરણ થઈ શકે તેમ છે. જો કે ચિંતા 15 જૂન બાદની જ છે કેમ કે વરસાદ મોડે પડે તો 15 જૂન બાદ ફરી સરકાર પાસે પાણી માંગવું પડે તેમ હોય અત્યારથી જ પાણી પહેલાં પાળ બાંધી લેવામાં આવી છે.
હાઈરાઈઝડ બિલ્ડિંગને ટેનામેન્ટ જેટલું જ પાણી આપવા તૈયારી
રાજકોટમાં અત્યારે દરેક વિસ્તારમાં હાઈરાઈઝડ બિલ્ડિંગનું નિર્માણ થઈ ચૂક્યું છે જેમાં 50થી વધુ ફ્લેટમાં અનેક પરિવાર વસવાટ કરી રહ્યા છે. જો કે અહીં પૂરતી માત્રામાં પાણી વિતરણ ન થઈ રહ્યું હોવા છતાં પાણીવેરો પૂરો વસૂલવામાં આવી રહ્યાની વારંવાર ફરિયાદ ઉઠી રહી હોય મહાપાલિકા દ્વારા હાઈરાઈઝડ બિલ્ડિંગ અથવા વધુ સંખ્યામાં ફ્લેટ આવેલા હોય તેવા બિલ્ડિંગને ટેનામેન્ટ જેટલું જ પાણી આપવા તૈયારી શરૂ કરવામાં આવી છે. આ માટે ટેનામેન્ટમાં જેટલા ઈંચનું કનેક્શન અપાય છે તેટલા ઈંચનું જ કનેક્શન આપવામાં આવશે.
