રાજકોટ TRP અગ્નિકાંડના આરોપીઓનું શું કર્યું? હાઇકોર્ટે ટકોર કરતાં કહ્યું, આમ તો કેમ ચાલે
રાજકોટના નાનામવા મેઈન રોડ પર આવેલા TRP ગેઈમઝોનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 28 લોકો ભુંજાઈ જવા પામ્યા હતા ત્યારે આ ઘટનાને 25 મેએ એક વર્ષ પૂર્ણ થઈ જશે. બીજી બાજુ 1 વર્ષ જેટલો લાંબો સમય વીતી જવા છતાં હજુ સુધી જેમના પર બેદરકારીના આરોપ મુકાયા છે તેમાંથી કોઈને પણ સજા પડી નથી. દરમિયાન આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે ફરી એક વખત હાઈકોર્ટ દ્વારા સરકારને ઢંઢોળીને પૂછવામાં આવ્યું હતું કે આ કેસમાં જેલમાં બંધ રહેલા અધિકારીઓ સામે કરવામાં આવી રહેલી ખાતાકીય કાર્યવાહીનું શું થયું ?
સરકારે આ પ્રશ્નનો એવો જવાબ આપ્યો હતો કે આરોપીઓ જેલમાં હોવાને કારણે કશું થઈ શક્યું નથી ! ત્યારબાદ હાઈકોર્ટે ટકોર કરી હતી કે આમ તો કેમ ચાલશે, આરોપીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે કાર્યવાહી કરવી જોઈએ. ગેઈમ ઝોનમાં આગને કારણે મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનો દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે તેમને વળતર પેટે અત્યાર સુધી છ લાખ રૂપિયા જ મળ્યા છે. આ પછી હાઈકોર્ટ દ્વારા એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે ગેઈમ ઝોનના માલિક પાસેથી વળતર માંગતો દાવો કરવામાં આવ્યો છે કે નહીં ?

દરમિયાન હાઈકોર્ટે સરકારને એમ પણ પૂછયું હતું કે જેમના ઉપર બેદરકારીના આરોપ મુકાયા છે જે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ક્યાં પહોંચી છે જેનો જવાબ આપતાં સરકારે કહ્યું કે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હાલ જેલમાં તેઓ બંધ હોવાથી સસ્પેન્શનના નિયમ પ્રમાણે તેમને પગાર ચૂકવવામાં આવી રહ્યો છે.
જો કે આ તમામ આરોપીઓ સામે ડિપાર્ટમેન્ટલ ઈન્ક્વાયરી મતલબ કે ખાતાકીય તપાસ ચાલી રહી હોય તેનું સ્ટેટસ જાણવા હાઈકોર્ટે સરકારને ઢંઢોળી તો સરકારે એમ કહ્યું હતું કે આરોપીઓ જેલમાં બંધ હોવાને કારણે કશી જ કાર્યવાહી થઈ રહી નથી. આ જવાબ બાદ હાઈકોર્ટે ટકોર કરી હતી કે આ રીતે તો ક્યારેય કાર્યવાહી થઈ શકશે નહીં અને તપાસ પૂરી થતાં ઘણો સમય વીતી જશે સાથે સાથે સાહેદ અને પૂરાવા પણ નહીં મળે એટલા માટે આરોપીઓ જેલમાં બંધ હોય તો વીડિયો કોન્ફરન્સથી આગળની કાર્યવાહી કરવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે TRP અગ્નિકાંડ બાદ તત્કાલિન ટાઉન પ્લાનર એમ.ડી.સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા ઉપરાંત ટીઆરપી ગેઈમ ઝોન ઉભો કરવા જમીન આપનાર અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા સહિતના લોકો અત્યારે જેલમાં બંધ છે. હવે આ મામલાની વધુ સુનાવણી 18 જૂલાઈએ થશે.
સસ્પેન્ડેડ એટીપી રાજેશ મકવાણાના જામીન રદ કરવા હાઇકોર્ટમાં અરજી
ટીઆરપી અગ્નિકાંડમાં બેદરકારીની જવાબદારી જેની સામે ફિક્સ કરાઈ હતી તે મહાપાલિકાના એટીપી રાજેશ મકવાણાને થોડા સમય પહેલાં જ હાઈકોર્ટ મારફતે જામીન મળ્યા હતા. જો કે તેમની ધરપકડ થયા બાદ તેઓને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા હોય હાલ તે સસ્પેન્શન હેઠળ જામીનમુક્ત છે. દરમિયાન હાઈકોર્ટમાં સ્પેશ્યલ પી.પી. તરીકે નીમાયેલા વિરાટ પોપટ દ્વારા રાજેશ મકવાણાના જામીન રદ્દ કરવા માટે અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
